દિલ્હી-

કેન્દ્રીય શિક્ષણ મંત્રી ડૉ.રમેશ પોખરીયાલ નિશાંકે આજે લાઈવ સેશન દ્વારા વિદ્યાર્થીઓના પ્રશ્નોના જવાબો આપ્યા હતા. જેમાં તેમને સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (સીબીએસઈ) ઓગસ્ટમાં વિદ્યાર્થીઓ માટે બોર્ડની પરીક્ષા લેવાશે તેવી જાહેરાત કરી હતી. વિદ્યાર્થીઓની સાથેની વર્ચ્યુઅલ વાતચીતમાં તેઓએ જણાવ્યું હતું કે, આ પરીક્ષાઓ એવા વિદ્યાર્થીઓ માટે હશે જે સીબીએસઈ દ્વારા આપવામાં આવેલ મૂલ્યાંકન ફોર્મ્યુલાથી ખુશ નથી. હાલમાં વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન વૈકલ્પિક માપદંડના આધારે કરવામાં આવતું હોવાથી બોર્ડની પરીક્ષાઓ રદ કરવામાં આવી છે.

શિક્ષણ મંત્રીએ આ મુદ્દે વાત કરતાં જણાવ્યું હતું કે, પ્રિય બાળકો, જો તમને લાગે કે મૂલ્યાંકન પ્રણાલી તમારી ક્ષમતાઓને ન્યાય કરશે નહીં, તો ખાતરી રાખો અમે તમારી ચિંતાઓ સમજી લીધી છે. સીબીએસઇ તમારા માટે ઓગસ્ટમાં બોર્ડ પરીક્ષાઓ લેશે. તમારું આરોગ્ય, ભવિષ્ય એ અમારી મુખ્ય ચિંતાઓ છે.