વડોદરા, તા.૭ 

દેશમાં જ બનાવાયેલા ૧૨,૦૦૦ હોર્સ પાવરનું સૌથી શક્તિશાળી રેલવે એન્જિનને રેલ ટ્રેક પર ઉતાર્યા પછી વડોદરા ડિવિઝનને એક એન્જિન ફાળવવામાં આવ્યું છે. શક્તિશાળી એન્જિનને ઓપરેટ કરવા માટે ૨૬ સુપરવાઈઝર અને ૧૯૯ ક્રૂ મેમ્બરોને બે દિવસ તાલીમ આપવામાં આવી હતી.

ભારતીય રેલવેએ ભારતમાં જ બનેલા સૌથી શક્તિશાળી એન્જિનને રેલ ટ્રેક પર ઉતાર્યું છે. મેક ઈન ઈન્ડિયા અંતર્ગત ૧૨,૦૦૦ હોર્સ પાવરના પ્રથમ શક્તિશાળી અને હાઈસ્પીડ એન્જિન ભારતીય રેલવે માટે સૌથી મોટી સફળતા છે. આ એન્જિનનને મેક ઈન ઈન્ડિયા યોજના અંતર્ગત એલસ્ટોમે બનાવ્યું છે. ભારતીય રેલવે દ્વારા વડોદરા ડિવિઝનને ફાળવવામાં આવેલ એક એન્જિન વડોદરા આવી પહોંચ્યું છે અને વડોદરા યાર્ડના ટ્રીપ ઈન્સ્પેકશન શેડ ખાતે ૨૬ સુપરવાઈઝર અને ૧૯૯ ક્રૂ મેમ્બર્સ એટલે લાૅકો પાઈલોટ, આસિ. લાૅકો પાઈલોને નવા એન્જિનનો ઓપરેટ કરવા માટે બે દિવસીય ટ્રેનિંગનું આયોજન કરાયું હતું. સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે આ ટ્રેનિંગ યોજાઈ હતી.

આ લોકો મોટીવમાં બંને તરફ ડ્રાઈવરો માટે એસી કેબિન છે અને આધુનિક બ્રેકિંગ સિસ્ટમ લગાડવામાં આવી છે. આ એન્જિનની ખાસિયત એ છે કે, ફોગ વોચિંગ ડિવાઈસથી સજ્જ છે, જેથી ધુમ્મસમાં પણ ગતિ ઓછી નહીં થાય. આ એન્જિન ૧૦૦ કિ.મી. પ્રતિકલાકની ગતિએ માલગાડીના રેક ખેંચી શકે છે.