વડોદરા : શહેર નજીક સિંધરોટ ખાતે મહિસાગર નદીમાં બપોરના સુમારે નહાવા પડેલા યુવકને ડૂબતો બચાવવા ગયેલો યુવાન પણ ડૂબીને મરણ પામ્યાના બનાવથી પરિવારમાં સોંપો પડી ગયો છે. આ બનાવના પગલે ઘટનાસ્થળે જઈ તાલુકા પોલીસે બંને મૃતદેહોને પોસ્ટ મોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં ખસેડયા હતા. ગોત્રી ખાતે અંબિકાનગર નજીક આવેલ ગોકુલનગરમાં રહેતા અને રિક્ષા ચલાવીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતો ૪૮ વર્ષીય અરવિંદ ચીમનભાઈ વાઘેલા આજે તેના પુત્ર કરણ અને મિત્ર ક્રિષ્ણા મોરે સાથે રિક્ષા લઈને સિંધરોટ ખાતે મહિસાગર નદી પર ગયા હતા. રિક્ષા એક તરફ પાર્ક કરીને અરવિંદભાઈ નદીમાં નહાવા ગયો હતો, જ્યારે તેમનો પુત્ર કરણ અને મિત્ર ક્રિષ્ણા મોરે નદીમાં નહાવા ન જતાં દૂર ઊભા રહ્યાહ તા. બપોરના લગભગ દોઢ વાગ્યાની આસપાસનો સમય હતો. એક તરફ અરવિંદભાઈ નદીમાં નહાતા હતા, ત્યારે મૂળ ગોરવાનો હાલ રાવપુરા મચ્છીપીઠ ખાતે આવેલ સર્વન્ટ ટેકરા પર રહેતો ૨૪ વર્ષીય મોહંમદ ફહદ મુસ્તાક એહમદ શેખ પણ નદીમાં નહાવા પડયો હતો. બપોરે એકાએક બચાવો... બચાવો....ની મોહંમદની બૂમો સાંભળી અરવિંદભાઈ વાઘેલા તુરત જ તેને બચાવવા માટે ગયો હતો, પરંતુ ઊંડા પાણીમાં મોહંમદ શેખ ગરકાવ થતાં તેને ડૂબતો બચાવવા ગયેલા અરવિંદભાઈ પણ ઊંડા પાણીમાં ઉતરીને ડૂબી ગયો હતો. આ બનાવ અંગેની જાણ તાલુકા પોલીસ મથકને થતાં પોલીસનો કાફલો નદી પર દોડી ગયો હતો, જ્યાં ફાયર બ્રિગેડની મદદથી બંનેને બેભાન હાલતમાં બહાર કાઢી ૧૦૮ એમ્બ્યુલન્સ મારફત પ્રથમ સારવાર માટે ગોત્રીની હોસ્પિટલમાં ખસેડયા હતા. જ્યાં ફરજ પરના તબીબોએ બંનેને મૃત જાહેર કર્યા હતા. પોલીસે બંનેના મૃતદેહોને પોસ્ટ મોર્ટમ માટે સયાજી હોસ્પિટલના કોલ્ડરૂમમાં મોકલી આપ્યા હતા. જ્યારે આ બનાવમાં તાલુકા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે રાવપુરા મચ્છીપીઠ વિસ્તારમાં રહેતો ર૪ વર્ષીય મોહંમદ શેખ એમઈ સુધીનો અભ્યાસ કરેલ છે. હાલ તે નોકરીની શોધમાં હોવાનું જાણવા મળે છે.