અરવલ્લી : મોડાસા શહેરમાં પોલીસતંત્ર ફક્ત સામાન્ય વાહનચાલકો અને શ્રમિકો પાસેથી જ માસ્કની દંડની રકમ ઉઘરાવવામાં શૂરી હોવાની બૂમો ઉઠી રહી છે. શહેરમાં અનેક રાજકીય અગ્રણીઓ અને પૈસાદાર લોકો માસ્ક વગર ટહેલતા હોવા છતાં તેમની સામે દંડનીય કાર્યવાહી કરવામાં પોલીસતંત્ર ઘૂંટણીયા ટેકવી દેતું હોવાનું આમ આદમી અહેસાસ અનુભવી રહ્યો છે. રવિવારે સાંજના મોડાસા શહેરના દુઘરવાડા ચોકડી નજીક માસ્ક વગરના લોકો સામે પોલીસે યુવકને દંડ ફટકારતા દંડની કામગીરી કરી રહેલા પોલીસ ટીમમાંથી એક કર્મીએ માસ્ક ગળા નીચે લટકાવી દંડ ઉઘરાવી રહ્યા હોવાથી એક યુવકે સમગ્ર ઘટના અંગે ફેસબુક લાઈવ કરતા પોલીસકર્મી ઉશ્કેરાઈ ગયો હતો.યુવકને ગાળ બોલી ફડાકો ઝીંકી દીધો હતો તેમ છતાં યુવકે વિડીયો ઉતારવાનું ચાલુ રાખતા તમાશો થયો હતો.અન્ય પોલીસ કર્મીઓએ માસ્ક વગર દંડાત્મક કામગીરી કરતા પોલીસ કર્મી પાસેથી જ સ્થળ પર દંડ ફટકારી રકમ વસુલ કરવાની સાથે યુવકને તું ઉભો રહેજે કહી અન્ય પોલીસ કર્મીઓ યુવક સામે ગુનો નોંધવાની વાત કરતા યુવક સતત પૂછી રહ્યો છે કે કઈ વાતનો ગુનો પણ પોલીસકર્મીઓ પાસે કોઈ જવાબ જ ન હતો.યુવકના સમર્થનમાં આવેલા લોકોએ થપ્પડ મારનાર પોલીસ કર્મચારી પાસે માફી મંગાવાની જીદ પકડાતા આખરે પોલીસે આ અંગે જે ફરિયાદ કરવી હોય તે ફરિયાદ પોલીસ સ્ટેશનમાં જઈ કરવા જણાવી મામલો થાળે પાડવાનો પ્રયત્ન કર્યો હતો.