વડોદરા

ગોત્રી જનરલ હોસ્પિટલમાં કોવિડ વોર્ડના આઈસીયુમાંથી બે મહિલા દર્દીના ૪૦ હજારના દાગીનાની ચોરી કરનાર હોસ્પિટલની કોન્ટ્રાક્ટ સફાઈસેવિકા મહિલાની ગોરવા પોલીસે ધરપકડ કરી તેની પાસેથી ચોરી કરેલા તમામ દાગીના જપ્ત કર્યા હતા.

લક્ષ્મીપુરારોડ પર જયઅંબે હાઉસીંગમાં રહેતા ૭૦ વર્ષીય ગૈારીબેન વિનોદભાઈ જયસ્વાલની તબિયત સારી ન હોઈ તે ગત ૪થી તારીખના રાત્રે ઘરે બેભાન થતાં તેમને ૧૦૮ એમ્બ્યુલન્સમાં ગોત્રી જનરલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. તેમનો કોરોના રિપોર્ટ કરાવીને કોવિડ સેન્ટર સ્થિત આઈસીયુ-૫૫માં દાખલ કરાયા હતા. ગઈકાલે સવારે તેમના પુત્ર ભવનેશે હોસ્પિટલના સંકલન કેન્દ્રના કર્મચારીને જણાવ્યું હતું કે મારી માતાએ જે ઘરેણા પહેર્યા છે તે મને લાવી આપો જેથી કર્મચારીએ વોર્ડમાં જઈ તપાસ કરી હતી અને પરત આવી જાણ કરી હતી કે તમારી માતાએ શરીરે કોઈ ઘરેણા પહેરેલા નથી. આજે ગૈારીબેનનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવતા તેમણે પુત્રને જણાવ્યું હતું કે સારવાર દરમિયાન મારી એક જાેડ કાનની સોનાની બુટ્ટી સેરા સાથે અને ચાંદીના પાયલ સહિત ૩૩,૨૦૦ના દાગીના તેમજ વોર્ડ આઈસીયુ-૬૬માં દાખલ લીલાબેન સુદામભાઈ કેદાર (ગોકુલનગર, ગોત્રી)ના સોનાની કાનની વાળી જાેડી ૭ હજાર સહિત કુલ ૪૦,૨૦૦ રૂપિયાના દાગીનાની ૪થી તારીખના રાત્રે ચોરી થઈ છે. આ બનાવની ભવનેશે ગોરવા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

આ બનાવની ગોરવા પોલીસ મથકના પીઆઈ આર સી કાનમિયાએ તપાસ શરૂ કરી આઈસીયુ વોર્ડના સીસીટીવી કેમેરાના ફુટેજની ચકાસણી કરી હતી જેમાં હોસ્પિટલની કોન્ટ્રાક્ટ સફાઈસેવિકા ૪૫ વર્ષીય અમૃતા રમેશ હરિજન (આકાશગંગા સોસાયટી, છાણી જકાતનાકા પાસે) બંને મહિલા દર્દીઓ પાસે શંકાસ્પદ હિલચાલ કરતી નજરે ચઢી હતી. પોલીસે અમૃતાની અટકાયત કરી તેની કડકાઈથી પુછપરછ કરતાં જ તેણે ઉક્ત બંને મહિલા દર્દીના દાગીનાની ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. પોલીસે અમૃતા પાસેથી ચોરી કરેલા તમામ દાગીના રિકવર કરી તેની ધરપકડ કરી હતી.