દિલ્હી-

દેશભરમાં બાળકોને સારી ગુણવત્તાના અને વાજબી ભાવના રમકડાં મળી રહે, તેમજ ઝેરી રસાયણો તેમજ ધાતુઓનું મિશ્રણ ધરાવતા હલકી ગુણવત્તાના રમકડાંથી બચી શકાય એ માટે આજે સૌપ્રથમ ઓનલાઈન રમકડાં કે ટોય-મેળો શરૂ થવાનો છે. આજે સવારે 11 વાગ્યે આ રમકડાંના મેળાની વર્ચ્યુઅલ શરૂઆત વડાપ્રધાન મોદી ઓનલાઈન કરાવશે. વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા તેની શરૂઆત કરાવવામાં આવશે. 

રિલાયન્સ રિટેલની માલિકીની સૌથી જૂની ટોય રીટેલર કંપની હેમલીઝ આ મેળાની ટાઈટલ સ્પોન્સર છે અને આ કંપની અમદાવાદ, મુંબઈ, દિલ્હી જેવા શહેરોમાં ટોય સર્કલ પણ શરૂ કરશે. દેશમાં હલકી ગુણવત્તાના રમકડાંની આયાત બાબતે ફરીયાદ મળ્યા બાદ કેન્દ્રિય પ્રધાન પિયુષ ગોયલને એ બાબતને જાણ કરાઈ હતી કે, તેને પગલે દેશના રમકડાં ઉદ્યોગને ભારે ફટકો પડી રહ્યો છે. આ સસ્તી ગુણવત્તાના રમકડાંમાં ઝેરી રસાયણો અને નુકસાનકારક ધાતુઓ પણ સામેલ છે. હવે આ રમકડાંની ગુણવત્તા માટેના ધારાધોરણો નક્કી કરાયા છે, તેનાથી એ સુનિશ્ચિત થશે કે ભારતીય બાળકોને ગુણવત્તા ધરાવતા રમકડાં મળી રહે.

શિક્ષણ પ્રધાન રમેશ પોખરીયાલે પણ કહ્યું હતું કે, ભારતીય રમકડાં એ પ્રવૃત્તિ, શોધ અને ભણતર એમ ત્રણેય પાસાઓને આવરી લેતું માધ્યમ છે અને તેની ગુણવત્તા જળવાય એ જરૂરી છે. આ મેળામાં વર્ચ્યુઅલ 1000થી વધારે સ્ટોલ્સ હશે તેમજ તેમાં નિષ્ણાતોની પેનલો હશે જેની સાથે જ્ઞાનસત્ર યોજી શકાશે. કેન્દ્ર સરકારે 2300 કરોડના ખર્ચે કેટલાંક ક્લસ્ટરોના નિર્માણને મંજૂરી આપી છે, જેના દ્વારા ગ્રામોદ્યોગ અને કુટીર ઉદ્યોગોની સાથે તાડ, વાંસ અને કપડાંના ઉપયોગથી રમકડાં બનાવવાનું આયોજન કરાશે.