દિલ્હી-

ખાલિસ્તાની આતંકી સંગઠન ‘જસ્ટિસ ફોર શીખ’એ ફરી એકવાર વિવાદાસ્પદ પોસ્ટર જાહેર કર્યા છે. તેમણે વિવાદાસ્પદ પોસ્ટર જાહેર કરીને પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ સહિત ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીની વિરુદ્ધ મોતનો ફતવો જાહેર કર્યો છે. જાેકે આ મામલા પર સુરક્ષા વ્યવસ્થાને ધ્યાને લઈ ભારતની ઇન્ટેલિજન્સ એજન્સી એલર્ટ છે. એજન્સીઓ આ મામલા પર ગંભીરતાથી નજર રાખી રહી છે.

ભારત સરકાર અને ઇન્ટેલિજન્સ એજન્સીઓ પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ અને લાલકૃષ્ણ અડવાણીની સુરક્ષા સાથે જાેડાયેલા મુદ્દાઓને પણ સતર્કતા સાથે મોનિટરિંગ કરી રહી છે. વાત એમ છે કે 31 ઓક્ટોબર ૧૯૮૪ના રોજ ઈન્દિરા ગાંધીની હત્યા બાદ 1 નવેમ્બર અને 2 નવેમ્બરથી જ રાજધાનીમાં શીખ વિરોધી તોફાનોની શરૂઆત થઈ હતી, જેમાં અસંખ્ય શીખ ધર્મ સમુદાયના લોકોને તોફાનો દરમિયાન મારવામાં આવ્યા હતા. આજે પણ તે તોફાનોના નામ પર જસ્ટિસ ફોર શીખ સંસ્થાના વડા આતંકી ગુરપતવંત સિંહ પન્નૂ પંજાબ-દિલ્હીથી લઈને વિદેશમાં પણ ભારત વિરોધી ગતિવિધિઓને અંજામ આપી રહ્યા છે. 

દર વર્ષે શીખ તોફાનોની વરસી પર આતંકી પન્નૂ આવી જ ધમકીઓ આપતો રહે છે. પરંતુ જે રીતે છેલ્લા કેટલાક દિવસોથી તે અમેરિકાના શહેર ન્યૂયોર્કમાં બેસીને ભારત વિરોધી ગતિવિધિઓ અને નેતાઓ પર હુમલાની તૈયારી અને હત્યા કરનારને બદલામાં ઈનામની રકમ આપવાની જાહેરાત કરી રહ્યો છે, આ મામલા પર ભારત સરકાર પણ વિશેષ ધ્યાન આપી રહી છે.