દિલ્હી-

સુપ્રીમ કોર્ટે મંગળવારે ઓક્સિજનના અભાવ અને કોરોનાને લગતા અન્ય મુદ્દાઓ અંગે સુનાવણી હાથ ધરી હતી. આ દરમિયાન કોર્ટે કેન્દ્ર સરકાર પાસે રસીના ભાવ, રસીઓની ઉપલબ્ધતા, ઓક્સિજન સહિતના કેટલાક મુદ્દાઓ પર જવાબ માંગ્યા હતા. ત્રણ જજોની ખંડપીઠે જણાવ્યું હતું કે તે 30 એપ્રિલ શુક્રવારે બપોરે 12 વાગ્યે આ કેસની સુનાવણી કરશે. કેન્દ્ર સરકારે કહ્યું કે તે શુક્રવાર સુધીમાં તમામ મુદ્દાઓ પર જવાબ આપી શકે છે.

મંગળવારે કોરોના સંકટને પહોંચી વળવાની રાષ્ટ્રીય યોજના અંગે સુનાવણી કરતાં ન્યાયાધીશ ડી વાય ચંદ્રચુડે કહ્યું કે 'જ્યારે અમને લાગશે કે અમારે લોકોના જીવન બચાવવા માટે દરમિયાનગીરી કરવી પડશે તો અમે તે કરીશું.' સુનાવણી દરમિયાન ન્યાયાધીશ એસ રવિન્દ્રચંદે કેન્દ્રને પૂછ્યું હતું કે, ' આ સંકટને પહોંચી વળવા તમારી રાષ્ટ્રીય યોજના શું છે? શું રસીકરણ મુખ્ય વિકલ્પ છે? ' સુપ્રીમ કોર્ટે વધુમાં કહ્યું હતું કે, 'આ રાષ્ટ્રીય સંકટ સમયે કોર્ટ મૂકપ્રેક્ષક બની રહી શકે નહીં.

જસ્ટિસ રવિન્દ્ર ભટ્ટે રસીના ખર્ચનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે પૂછ્યું હતું કે 'વિવિધ ઉત્પાદકો રસીના જુદા જુદા ભાવો લઈને આવી રહ્યા છે. કેન્દ્ર સરકાર તેના વિશે શું કરી રહી છે? તેમણે કહ્યું હતું કે ડ્રગ કંટ્રોલર એક્ટને પેટન્ટ એક્ટની કલમ 6 હેઠળ સત્તા છે. તો શું આવી શક્તિનો ઉપયોગ કરવાનો આ સમય નથી? તો યોગ્ય સમય ક્યારે આવશે? '

ઓક્સિજન સપ્લાયના મુદ્દે સુપ્રીમ કોર્ટે કહ્યું કે ઓક્સિજનની હાલની કુલ ઉપલબ્ધતા વિશે કેન્દ્રને જાગૃત રહેવું જોઇએ. તેમણે કહ્યું કે ઓક્સિજનના પુરવઠા, રાજ્યોની અંદાજીત જરૂરિયાત, કેન્દ્રમાંથી ઓક્સિજન ફાળવવાનો આધાર, તાત્કાલિક ધોરણે રાજ્યોની જરૂરિયાતને પહોંચી વળવા માટેની પદ્ધતિ અપનાવવા વિશેની માહિતી આપવા પણ કેન્દ્રને સુપ્રીમ કોર્ટે આદેશ કર્યો છે.