હાલ મંદિરોને બંધ જ રાખવામાં આવશે. પરંતુ રાજ્ય સરકાર અને દેશભરના મંદિર પ્રશાસન આ વિશે વિચારી રહી છે કે, લોકડાઉન સંપૂર્ણ રીતે ખુલ્લી જશે તે પછીની વ્યવસ્થા કેવી હોવી જોઇએ. આ અંગે શરૂઆત કર્નાટક અને આંધ્રપ્રદેશ જેવા રાજ્યોએ કરી પણ દીધી છે.

આંધ્રપ્રદેશમાં સરકારી નિર્દેશ જાહેર થઇ ગયો છે કે, લોકડાઉન બાદ મંદિરોમાં દર્શન માટે લોકોને આધાર કાર્ડ લાવવું જરૂરી રહેશે. કર્નાટક સરકાર રાજ્યના લગભગ સાડા ત્રણ હજાર મંદિરોમાં ચરણામૃત અને પ્રસાદ વિતરણ જેવી વ્યવસ્થા ઉપર અસ્થાયી રીતે પ્રતિબંધ લગાવવાનું વિચારી રહી છે. મોટાભાગના મંદિરોમાં ભગવાનના દર્શન દૂરથી જ થશે. ગર્ભગૃહોમાં પ્રવેશ ઉપર પ્રતિબંધ લાગી શકે છે.

આંધ્રપ્રદેશના વ્યવસ્થા વિભાગે નિર્દેશ જાહેર કર્યો છે કે, મંદિર સવારે 6 થી સાંજે 6ની વચ્ચેના ટાઇમ સ્લોટ પ્રમાણે શ્રદ્ધાળુઓને SMS દ્વારા દર્શનનો સમય આપશે. યાત્રીઓએ પોતાની ઓળખ માટે આધાર કાર્ડ લાવવું ફરજિયાત રહેશે અને એક કલાકમાં 250 લોકો જ દર્શન કરી શકશે. સોશિયલ ડિસ્ટન્સિંગનું પૂર્ણ ધ્યાન રાખવામાં આવશે.

દર્શન માટે ટાઇમસ્લોટ એક દિવસ પહેલાં સાંજે જ નક્કી કરી દેવામાં આવશે. તેનો અર્થ છે કે, તિરૂપતિ, શ્રીશૈલમ જેવા મંદિરોમાં દર્શન માટે યાત્રીઓને એક દિવસ પહેલાં અથવા ઓનલાઇન મંજૂરી લેવી પડશે. જોકે, આ નિર્દેશ પર હાલ મંદિરો તરફથી કોઇ પ્રતિક્રિયા આવી નથી.

 તિરૂપતિ મંદિરમાં હાલ કર્મચારીઓ માટે સોશિયલ ડિસ્ટન્સિંગની શરતો લાગૂ કરી દેવામાં આવી છે. સેનેટાઇઝર અને માસ્ક ફરજિયાત કરી દેવામાં આવ્યું છે

તિરૂપતિ મંદિરમાં લોકડાઉન પૂર્ણ થયા બાદ દર્શનની વ્યવસ્થા કેવી હશે તેને લઇને જલ્દી જ તૈયારી શરૂ કરી શકાય છે. મંદિરમાં દર્શન શરૂ થતાં પહેલાં તેનું રિહર્સલ કરવા ઉપર વિચાર કરવામાં આવી રહ્યો છે. મંદિરના કર્મચારીઓ અને લોકલ લોકોની મદદ દ્વારા આ ક્રિયા કરવામાં આવશે. મંદિર પ્રશાસન લોકડાઉન ખૂલ્યાં બાદ પણ સોશિયલ ડિસ્ટન્સિંગના પાલનને લઇને સંપૂર્ણ યોજના બનાવી રહી છે.

મંદિરોમાં પરંપરાઓ થોડાં મહિનાઓ માટે બદલાઇ શકે છે. 

1. મંદિરોમાં શ્રદ્ધાળુઓ દ્વારા લાવેલાં હાર-ફૂલ અને પ્રસાદ ઉપર પ્રતિબંધ લાગી શકે છે.

2. મંદિરના પૂજારીઓની સુરક્ષા માટે ચરણામૃત અને પ્રસાદ વિતરણ ઉપર પ્રતિબંધ લાગી શકે છે.

3. મંદિરોના ગર્ભગૃહમાં પ્રવેશ રોકવામાં આવી શકે છે, કેમ કે, ત્યાં ઓછી જગ્યા હોય છે અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન થઇ શકતું નથી.

4. લાંબી લાઇનમાં દર્શન કરાવવાની વ્યવસ્થા હશે નહીં.

5. મંદિરોમાં મળતાં અન્ન પ્રસાદની વ્યવસ્થામાં ફેરફાર જોવા મળશે.

6. મંદિરોની સવારી અને પાલકિઓ ઉપર પણ થોડાં સમય માટે પ્રતિબંધ લાગી શકે છે.

 ચર્ચમાં થતી પ્રેયર્સમાં થોડાં મહિનામાં અસર જોવા મળશે. સન્ડે પ્રેયરમાં ઓછામાં ઓછા લોકો આવશે અથવા સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે આયોજન કરવામાં આવશે.

ચર્ચમાં થતી સન્ડે પ્રેયર્સમાં પણ ફેરફાર આવી શકે છે. કેરળ સહિત અનેક જગ્યાએ તેની તૈયારીઓ કરવામાં આવી રહી છે. રવિવારની પ્રાર્થનામાં ઘણાં લોકો સામેલ થાય છે. જેનાથી સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવું મુશ્કેલ થઇ જાય છે. કેરળના થોડાં ચર્ચ લગ્ન સમારોહમાં પણ વધારે ભીડ જોવા મળે નહીં તેને લઇને યોજના બનાવવામાં આવી રહી છે.