વડોદરા,તા.૧૮  

મહાનગર પાલિકામાં એકએક વિભાગમાં ઉધઈની માફક પ્રસરેલા ભ્રષ્ટાચારના પાપે શહેરમાં નજીવા વરસાદમાં ચોતરફ ભુવાઓનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે.પાલિકાના અધિકારીઓ,શાસકો અને ઇજારદારોની જુગલબંધીને લઈને પ્રજાની સલામતીનો દાટ વાળી દેવાયો છે.મોટાભાગના માર્ગો પાર પડેલા ભૂવાઓ અને ભરાતા પાણીને લઈને પ્રજા રામ ભરોસે મુકાઈ ગઈ છે.આને લઈને શહેરના ચોતરફ પથરાયેલા વિકાસ કાર્યોની પોલ ખુલ્લી પડી જવા પામી છે. શહેરનો અકોટા અને પ્રોડક્ટિવિટી માર્ગ વર્ષોથી ભૂવા માર્ગ તરીકે પંકાયેલો રહ્યો છે.પરંતુ હવે એનો આ એક હથ્થુ ઈજારો શહેરના પ્રત્યેક માર્ગો વચ્ચે વહેંચાઈ ગયો છે. શહેરના અનેક માર્ગો પર રોજે રોજ ભૂવાઓ પડતા જોવા મળી રહ્યા છે.એ પૈકી મોટાભાગના માર્ગો શહેરીજનોના વાહન વ્યવહારથી રાઉન્ડ ધ ક્લોક ધમધમતા માર્ગો છે. શહેરમાં અકોટા ગેલ કચેરી, પ્રોડક્ટિવિટી માર્ગની હવેલી પાસે, અકોટા ઊર્મિ ચાર રસ્તા,જુના પાદરા રોડ,છાણી જકાત નાકા પાસે ભૂવાઓ પડયા પછીથી હવે ફતેપુરા રોડ, સન ફાર્મા રોડ, હરણી સ્મશાન માર્ગ સહિતની અનેક જગ્યાઓએ ભૂવાઓ પડ્યા છે.

વડોદરાને ખાડોદરા બનાવનાર અધિકારીઓ, કોન્ટ્રાક્ટરની વિજીલન્સ તપાસની માંગ  

રસ્તા પર પડેલા ખાડા અને ભુવાના વિરોધમાં કોંગ્રેસ પ્રમુખ પ્રશાંત પટેલની આગેવાનીમાં વિરોધ કાર્યક્રમ વોર્ડ પ્રમાણે છ જગ્યાએ રાખવામાં આવ્યો હતો.આ કાર્યક્રમમાં વોર્ડ પ્રમુખ જોડે શહેરના પદાધિકારીઓ, પાલિકાના કાઉન્સિલરો અને વોર્ડના કાર્યક્રરો સહિતના લોકો હાજર રહ્યા હતા. બહુચરાજી મંદિર પાસે ના કાર્યક્રમમાં શહેર કોંગ્રેસ પ્રમુખ હાજર રહી જણાવ્યું હતું કે વડોદરાને ખાડોદરા બનાવનાર સત્તાધીશો અને કોન્ટ્રાક્ટર સામે જનતા મેમો આપી વિજીલન્સ તપાસ અને નાર્કોટેસ્ટ કરી પ્રજાના પૈસે કરેલ ભ્રષ્ટાચારીઓના નામો પ્રજા સમક્ષ ખુલ્લા પાડવા જોઈએ.