અમદાવાદ-

કોરોના મહામારીના આવા કપરા સમયમાં એકબાજુ હોસ્પિટલો દર્દીઓથી ઉભરાય છે અને રેમડીસીવીર ઈન્જેક્શનો અને વેક્સિનેશનના વિતરણ બાબતે ભારે વિવાદ ચાલી રહ્યો છે ત્યારે ભાજપ દ્વારા આ સમગ્ર સ્થિતીનો રાજકીય લાભ ઉઠાવાઈ રહ્યો હોવાનો કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે.

આ સમગ્ર ઘટનાક્રમ બાબતે કોંગ્રેસ પ્રવકત્તા મનિષ દોશીએ સરકાર અને ભાજપ પર તીખા આક્ષેપો કર્યા હતા. તેમણે સવાલ કર્યો હતો કે ભાજપ કાર્યાલય પરથી રેમડીસીવીર ઇન્જેક્શન ના વેચાણ કરાવીને શું ભાજપ કોરોના ઈન્જેક્શન અને રસીનું રાજકારણ રમવા માંગે છે કે કેમ. તેમણે કહ્યું હતું કે ભાજપ દ્વારા હવે રસીનું રાજકીયકરણ કરી નાંખવામાં આવ્યું છે.

તેમણે ત્યાં સુધીના આક્ષેપો કર્યા હતા કે, રેમડીસીવીર ના બેફામ કાળાબજાર સામે ભાજપ દ્વારા કોઈ વ્યવસ્થા કરવામાં નહોતી આવી. એ બાબતે પણ તેમણે ખુલાસો માંગ્યો હતો કે ખુદ કેન્દ્ર ની ટીમે સુરત, વડોદરા, રાજકોટ, અમદાવાદ માં કાળા બજાર થઈ રહ્યા હોવાનું કહ્યું હતું તો એ બાબતે શી કાર્યવાહી કરવામાં આવી છે. તેમણે વધુમાં કહ્યું હતું કે ઝાયડ્સ હોસ્પિટલથી રૂપિયા 800 માં ઈન્જેકસનની વ્યવસ્થામાં ખરી મદદ કરવાની જરૂર હતી

પરંતુ તેને બદલે સરકારે ઇન્જેક્શનની વ્યવસ્થા ને તોડવાનું કામ કર્યું હતું અને પોતાના મળતીયાઓને કાળાબજારી કરવાની છૂટ આપવામાં આવી હતી. 

દોશીએ સવાલ કર્યો હતો કે સુરતમાં ભાજપને ફાર્માસીસ્ટ તરીકે ઇન્જેક્શન વેચાણ ની પરવાનગી કોને આપી ?ઈન્જેક્શનની વિતરણ વ્યવસ્થા હોસ્પિટલ ની જગ્યા એ પાર્ટી કાર્યાલય પરથી કેવી રીતે  અને શું કામ કરી શકાય જ્યારે  ઇન્જેક્શન સરકારી હોસ્પિટલ માં ઉપલબ્ધ કરાવવાની જવાબદારી સરકારની હોય છે. 

તેમણે વધુમાં સરકારને ચિમકી આપી હતી કે, તમે હોસ્પિટલમાં ઇન્જેક્શન ની વ્યવસ્થા ના કરી શકતા હોવ તો રાજીનામુ આપો અને ઇન્જેક્શનના નામે ખોટા નાટકો કરવાનું બંધ કરો.