ગાંધીનગર- 

ભાજપ સાંસદ મનસુખ વસાવાએ લવ જેહાદ બાબતે ગુજરાત રાજ્યમાં કડક કાયદો બનાવવા મુખ્યમંત્રીને પત્ર લખી રજુઆત કરી છે. લવ જેહાદ બાબતે ઘણા બધા સંગઠનો તથા હિન્દુ સમાજના આગેવાનો સરકાર સમક્ષ રજૂઆત કરી ચૂક્યા છે. જેમ ઉત્તર પ્રદેશની સરકારે લવ જેહાદ બાબતે કડકમાં કડક કાયદો બનાવ્યો છે. આ કાયદા હેઠળ એક વર્ષથી લઈને પાંચ વર્ષની જેલની સજા અને રૃપિયા ૧૫ હજારનો દંડ કરવામાં આવ્યો છે. અને ભોગ બનેલી મહિલા સગીર વયની હોય અથવા તો તે અનુસૂચિત જાતિ અથવા અનુસૂચિત જનજાતિની યુવતી હોય તો તે આરોપીને ત્રણ વર્ષથી લઈને દસ વર્ષની જેલની સજા તથા રૃપિયા ૫૦ હજારનો દંડ કરવામાં આવશે.

આ રીતે ઉત્તરપ્રદેશની સરકારે લવ જેહાદ બાબતે કડકમાં કડક કાયદો બનાવ્યો છે. તેવો કાયદો ગુજરાતમાં પણ બનવો જાેઈએ તેવી માંગણી ગુજરાતમાં પણ ઉઠી રહી છે. ત્યાં જ આજે વધુ એક ધારાસભ્યએ કોર્ટ મેરેજમાં માતા-પિતાની સંમતિનો કાયદો લાવવાની ગુજરાત સરકાર પાસે માંગ કરી છે. સિદ્ધપુરના કોંગ્રેસના ધારાસભ્ય ચંદનજી ઠાકોરે મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખી કોર્ટ મેરેજમાં માતા-પિતાની સંમતિ માટેનો કાયદો બનાવવા માંગ કરી છે. અને આ કાયદા માટે કોંગ્રેસ ધારાસભ્ય ચંદનજી ઠોકારે આગામી વિધાનસભા સત્રમાં ચર્ચા કરવા રજૂઆત પણ કરી છે. કોંગ્રેસ ધારાસભ્ય ચંદનજી ઠોકારે મુખ્યમંત્રીને લખેલા પત્રમાં લખ્યું કે, આખા ગુજરાતમાં જે રીતે દીકરા-દીકરીઓ દ્વારા મા-બાપની પરવાનગી વગર કોર્ટ મેરેજ કરવામાં આવે છે.

આ બાબતે માતા-પિતા અજાણ હોય છે અને ખબર પડે છે ત્યારે ખુબ જ મોટો વિવાદ સર્જાય છે. ઘણીવાર આવા કિસ્સામાં હત્યા પણ થઈ જાય છે. તેના કારણે આખો પરિવાર વેર વિખેર થઈ જાય છે અને જાે છોકરાના પરિવારને માલ મિલકત છોડીને ગામ બહાર જતું રહેવું પડે છે. તેમજ દીકરી ગમે એટલી ભણેલી હોય, હોશિયાર હોય પણ તેની સામાન્ય ભૂલના કારણે આખી જિંદગી વેર વિખેર થઈ જાય છે. સમાજ-સમાજમાં કે અન્ય સમાજમાં મોટા ઝઘડા ઉભા થાય છે. આખે નાના સમાજાે આવી ઘટનાઓનો ભોગ બને છે.