બેંગલુરુ

શાનદાર ફોર્મ માં ચાલી રહેલા યુવા બલ્લેબાજ દેવદત્ત પદ્દિકલની સતત ત્રીજી અણનમ સદીની સહાયથી રવિવારે વિજય હઝારે ટ્રોફીની વન-ડે ઇવેન્ટની ગ્રુપ સી મેચમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન કર્ણાટકએ રેલવેને ૧૦ વિકેટથી હરાવી વિજય હઝારે ટ્રોફી વનડે ટૂર્નામેન્ટની ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી.

રોયલ ચેલેન્જર બેંગ્લોરના બેટ્‌સમેન જેણે છેલ્લી બે મેચમાં અણનમ ૧૫૨ રન (ઓડિશા સામે) અને અણનમ ૧૨૬ (કેરળ સામે) રન બનાવ્યા હતા. તેણે રેલ્વે સામે ૧૨૫ બોલમાં ૧૪૫ રનની શાનદાર ઇનિંગ રમી હતી. ડાબા હાથના બેટ્‌સમેને આ દરમિયાન નવ છગ્ગા અને નવ ચોગ્ગા ફટકાર્યા હતા.

૨૦ વર્ષીય આ બેટ્‌સમેનને સુકાની રવિકુમાર સમર્થનો સારો ટેકો મળ્યો જેણે ૧૧૮ બોલમાં ૧૭ ચોગ્ગાની મદદથી અણનમ ૧૩૦ રન બનાવ્યા. બંનેએ પ્રથમ વિકેટ માટે અખંડ ૨૮૫ રનની ભાગીદારી કરી કર્ણાટકને ૧૦ વિકેટની શાનદાર જીત અપાવી હતી.આ જીત સાથે ટીમે ગ્રુપ સી ટેબલમાં ટોચનું સ્થાન પ્રાપ્ત કરતાં ક્વાર્ટરફાઇનલ માં ક્વોલિફાય કર્યું.