એડિલેડ 

ઓસ્ટ્રેલિયાએ ચાર ટેસ્ટ સીરિઝની પહેલી મેચમાં એડિલેડ ખાતે ભારતને 8 વિકેટે હરાવ્યું છે. મેચમાં બીજા દિવસના અંતે ભારતે 1 વિકેટ ગુમાવી હતી અને 62 રનની લીડ સાથે મજબૂત સ્થિતિમાં હતું. જોકે ત્રીજા દિવસે ટીમ ઇન્ડિયાએ 27 રનમાં બાકીના બેટ્સમેન ગુમાવી દીધી. બીજી ઇનિંગ્સમાં ટીમની ઇનિંગ્સ 36 રનમાં સમાપ્ત થઇ ગઈ. 90 રનનો ટાર્ગેટ કાંગારુંએ 2 વિકેટે સરળતાથી વટાવી દીધો.

મેચ પછી ભારતના કેપ્ટન વિરાટ કોહલીએ કહ્યું કે, અત્યારે મારી પાસે હું કેવું અનુભવું છું તે કહેવા માટે શબ્દો નથી. અમે આજે ગ્રાઉન્ડ પર આવ્યા ત્યારે અમારી પાસે 60 રનની લીડ હતી. તે પછી ધબડકો થયો. બે દિવસ સારું ક્રિકેટ રમ્યા, વિનિંગ પોઝિશનમાં આવ્યા અને તે પછી કલાકમાં મેચ ગુમાવી. આ હાર બહુ ખૂંચે છે.

કોહલીએ વધુમાં કહ્યું કે, અમારી બેટિંગમાં ઈન્ટેન્ટનો અભાવ હતો. આ વસ્તુ પર ધ્યાન આપવું પડશે. ઓસ્ટ્રેલિયાની બોલિંગ ફર્સ્ટ ઇનિંગ્સમાં પણ આવી હતી પરંતુ ત્યારે અમે રન ફટકારવાના માઈન્ડસેટ સાથે રમી રહ્યા હતા. એમણે અમુક સારા બોલ્સ પણ નાખ્યા. ખરાબ બેટિંગ બંને વસ્તુનું કોમ્બિનેશન હતું: ઈન્ટેન્ટ વગરની બેટિંગ અને બોલર્સની સારા બોલિંગ.

કોહલીએ કહ્યું કે, આશા છે કે બોક્સિંગ ડે ટેસ્ટમાં ટીમ કમબેક કરશે. મોહમ્મદ શમી અંગે હજી કોઈ અપડેટ નથી, તે સ્કેન માટે ગયો છે. સાંજ સુધીમાં તેનો રિપોર્ટ આવશે.