ગાંધીનગર-

ભારત સહિત વિશ્વભરમાં સ્ટીલકિંગ તરીકે ઓળખાતા ઉદ્યોગ માંધાતા આર્સેલર મિતલ ગુજરાતમાં 50,000 કરોડથી પણ વધુનું જંગી રોકાણ કરશે તેમ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જાહેર કર્યુ છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગત સપ્તાહે ગુજરાતના પ્રવાસે આવ્યા ત્યારે અમદાવાદ એરપોર્ટે જ લક્ષ્‍મી મિતલ દ્વારા વડાપ્રધાન સાથે સૂચક બેઠક કરવામાં આવી હતી.

ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું કે દેશવિદેશનાં ઉદ્યોગકારો ગુજરાતમાં મોટાપાયે રોકાણ કરવા માટે આતૂર છે. કારણ કે ગુજરાત રોકાણ માટેનું શ્રેષ્ઠ રાજય છે. છ માર્ચના રોજ લક્ષ્‍મી મિતલ સાથે બેઠક થઈ હતી અને તેમાં તેઓને 50,000 કરોડથી અધિકનું રોકાણ ગુજરાતમાં કરવાનું કહ્યું હતું. તેઓએ નાયબ મુખ્યમંત્રી નીતીન પટેલ સાથે પણ મુલાકાત કરી હતી.ગુજરાતને ઉદ્યોગક્ષેત્રનું નંબર વન રાજય બનાવવા માટે યોગદાન આપવા લક્ષ્‍મી મિતલે બન્ને નેતાઓ સાથે વાતચીત કરી હતી.અત્રે ઉલ્લેખનીય છે કે આર્સેલર મિતલ દુનિયાની સૌથી મોટી સ્ટીલ માઈનીંગ કંપની છે. ગુજરાતમાં હજીરા ઈન્ડસ્ટ્રીયલ ઝોનમાં કંપની સ્ટીલ ઉત્પાદન એકમ ધરાવે જ છે.