વડોદરા, તા. ૯

દંતેશ્વરની નેહલપાર્ક સોસાયટીમાં રહેતા ૪૦ વર્ષીય આનંદભાઈ નગીનભાઈ પટેલ પ્રતાપનગર બ્રિજ પાસે મોબાઈલ રિચાર્જ તેમજ મની ટ્રાન્સફરનું કામ કરતા હતા. થોડાક સમય અગાઉ તેમનો અમદાવાદના જીજ્ઞેશ વ્યાસ મારફત રાજકોટના વેપારીઓ સાથે પરિચય થયો હતો જેમાં તેઓએ જણાવ્યું હતું કે તમારી પાસે મની ટ્રાન્સફરના કેસ આવે તો એ કેસ અમને આપજાે અમે તમને ઓનલાઈન માધ્યમથી નાણાં બેંકમાં ટ્રાન્સફર કરી દઈશું એટલે તમને બેંક ચાર્જીસ નહી લાગે. ત્યારબાદ આનંદભાઈ અને તેમના મિત્રોએ ભેગા મળી કામ શરૂ કરી રાજકોટના જય અમરુતિયા અને વિશાલ ચંદુ જગસાણિયા સાથે કામ શરૂ કરી આંગડિયા મારફત બેથી પાંચ લાખના વ્યવહાર કર્યા હતા.

એક વાર તેમણે અને અસફાકભાઈએ ૬.૮૦ લાખ અને ૨૦ લાખ રૂપિયા આંગડિયાથી મોકલેલા પરંતું મોટી રકમ જાેઈને વિશાલની દાનત બગડી હતી અને તેણે નાણાં મેળવી ફોન સ્વીચઓફ કર્યો હતો. ત્યારબાદ આનંદભાઈ અને તેમના મિત્ર વિશાલને શોધવા મોરબી ગયા હતા જયાં જયેશે તેઓને ફોન કરીને વિશાલની પેઢી એસ.કે.એજન્સી ખાતે બોલાવી ૨૦ લાખ પરત આપવાનું કહી તે આરટીજીએસ કર્યા હતા પરંતું બાકીના ૬.૮૦ લાખ પાછા નહી આપી તેમને અપશબ્દો કહ્યા હતા. આ બનાવની તેમણે વિસાલ જગસાણિયા, જય અમરૂતિયા અને જીગ્નેશ વ્યાસ સામે ઠગાઈની ફરિયાદ નોંધાવવા માટે મકરપુરા અને વાડી પોલીસમાં અરજીઓ કરી હતી પરંતું એક વર્ષ સુધી પોલીસે કોઈ કાર્યવાહી કરી નહોંતી. દરમિયાન ગત ૪થી તારીખે આનંદભાઈ તેમની કાર લઈને ઘરેથી નીકળ્યા બાદ ભેદી સંજાેગોમાં ગુમ થયા હતા અને તેમનો મોબાઈલ સ્વીચ ઓફ થયો હતો.

આ બનાવની આનંદભાઈ ગુમ થયાની પરિવારજનોએ પાંચમી તારીખે મકરપુરા પોલીસમાં જાણ કરી હતી અને છઠ્ઠી તારીખે વાઘોડિયામાં નર્મદા કેનાલ પાસેથી તેમની કાર બિનવારસી હાલતમાં મળી હતી. પોલીસે કાર અને તેમાંથી બે મોબાઈલ ફોન જપ્ત કરી પરિવારજનોનો સંપર્ક કર્યો હતો જે દરમિયાન આનંદભાઈની લાશ હાલોલ ગ્રામ્ય વિસ્તારમાં કેનાલમાંથી મળી હતી. આ બનાવની તપાસ કરતા હાલોલ ગ્રામ્યના પીઆઈ આર એ જાડેજાએ જણાવ્યું હતું કે અમે આનંદભાઈના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવી લાશ પરિવારજનોને સોંપી છે. હાલમાં આનંદભાઈનું ડુબી જવાના કારણે મોત થયાનું પ્રાથમિક કારણ મળ્યું છે પરંતું ચોક્કસ કારણ જાણવા માટે એફએસએલની મદદ મેળવી વિસેરા લેવાયા છે. જયારે આ બનાવ અંગે મકરપુરા પોલીસ મથકના પીઆઈ જે.એન.પરમારે જણાવ્યું હતું કે આનંદભાઈએ ઘર છોડીને જતા અગાઉ લખેલી અંતિમચિઠ્ઠી પોલીસને સોંપી છે જેમાં હાલમાં માત્ર પૈસાની લેતી-દેતીનું કારણ જણાવ્યું છે એ સિવાય અન્ય કોઈ આક્ષેપ નથી.

પરિવારજનો ફરિયાદ નોંધાવવા માટે હજુ અવઢવમાં

આનંદભાઈએ તેમની સાથે થયેલી ઠગાઈ બાદ પોલીસમાં અરજીઓ કરવા છતાં કોઈ કાર્યવાહી નહી થવાના કારણે આપઘાત કર્યો હોવાનું જણાવ્યું છે. આ બનાવના પ્રાથમિક તપાસમાં આનંદભાઈ સાથે ઠગાઈ કરનાર ત્રણ વિરુધ્ધ આપઘાતની દૂષ્પ્રેરણા આપવાનો ગુનો બને છે. જાેકે પોલીસે આનંદભાઈના પરિવારજનોનો સંપર્ક કર્યો હતો જેમાં તેઓએ વિધિ પુરી કર્યા બાદ ફરિયાદની વાત કરેલી. આજે ફરીથી તેઓને ફરિયાદ નોંધાવવા માટે આવવાનું કહેતા હવે તેઓએ અમને વિચાર કરવા માટે બે ત્રણ દિવસ આપો તેમ જણાવ્યું છે.