કારતક માસ સવંત 2077ના નવા વર્ષના વેપારનો આજથી એટલે કારતક સુદ પાંચમના દિવસથી પ્રારંભ કરવામાં આવ્યો છે, ત્યારે ભાવનગર શહેરમાં અનેક દુકાનોમાં તોરણ અને ફૂલહાર કરી શુભ ચોઘડિયામાં વ્યાપરનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. રાજ્યભરમાં આજે લાભ પાંચમનો તહેવાર ઉજવાશે. આજે લાભ પાંચમના શુભ દિવસથી ધંધા-રોજગાર પુનઃ ધમધમતા થશે. હિન્દુ નવા વર્ષમાં લાભપાંચમ શુભ મુહુર્ત ગણાય છે. રાજ્યભરમાં આજથી વિવિધ માર્કેટ, દુકાનો ધમધમતી થઈ હતી. 

લાભ પાંચમનું મુહૂર્ત મહત્વનું હોય છે, ત્યારે આજે વહેલી સવારે સારા ચોઘડિયામાં વેપારીઓ દ્વારા દુકાનના અને ઓફિસોના દ્વાર ખોલવામાં આવ્યા હતા. વેપારીઓએ દુકાનો ખોલીને તોરણ અને ફૂલહાર સાથે ભગવાનને દિવા, ધૂપ કરી નવા વર્ષના વેપારની શરૂઆત કરી હતી.સારા મુહૂર્તમાં અને ચોઘડિયામાં દુકાનનો વેપાર શરૂ કરવાની પૌરાણિક પ્રથાને આધૂનિક યુગમાં પણ જાળવી રાખવામાં આવી છે. વેપારીઓ દ્વારા હંમેશા હિન્દૂ ધર્મના રીત રિવાજો અને ધાર્મિક પરપંરાને જાળવવામાં ભાવેણાવાસીઓ અગ્રેસર રહ્યા છે.