દિલ્હી- 

સરકારે નક્કી કરેલી આવકમર્યાદા પ્રતિવર્ષ રુપિયા ૨.૫ લાખથી વધારે આવક ધરાવનારા લોકોએ આવકવેરો ભરવાનો થાય છે અને આ વેરો ભરવા માટે આજની તારીખ એટલે કે, ૧૦મી જાન્યુઆરી છેલ્લી છે. સરકારે ૩૧મી ડિસેમ્બરને બદલે આવકવેરો ભરવાની આખર તારીખ ૧૦મી જાન્યુઆરી સુધી લંબાવી હતી.

આવકવેરા રીટર્ન ભરતી વખતે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જરુરી છે, નહીં તો તમારી અરજી નામંજૂર થઈ શકે છે. આવકવેરાખાતાએ વિવાદ થી વિશ્વાસ નામની યોજનાની આખર તારીખ ૩૧મી જાન્યુઆરી તેમજ કોર્પોરેટ સેક્ટરો માટે આવકવેરો ભરવાની આખર તારીખ ૧૫મી ફેબ્રુઆરી સુધી લંબાવી છે. ભારત સરકારે જાહેર કરેલા આંકડા અનુસાર, દેશના ૧૩૦ કરોડ લોકો પૈકી માંડ ૧.૫ કરોડ લોકો જ આવકવેરો ભરે છે, એ જાેતાં આ આંકડો ૧ ટકાથી માંડ થોડોક વધારે છે. આવકવેરો ભરતી વખતે આટલી બાબતો યાદ રાખવી જરુરી છે.

૧. ઈ-ફાઈલિંગ વખતે, નામ, સરનામુ, જન્મતારીખ, ઈ-મેલ આઈડી, મોબાઈલ નંબર વગેરે કોઈપણ ભૂલ કર્યા વિના ચોક્સાઈથી લખવું. એ જ વખતે બેંકનું નામ, સરનામું, આઈએફએસસી કોડ, એમઆઈસીઆર કોડને ફરીને ચેક કરવા જેથી તેમાં કોઈ ભૂલ ન રહે, નહીં તો તમને તેનું રીફંડ મળતી વખતે સમસ્યા થઈ શકે. આવકની ગણતરી કરતી વખતે ફોર્મમાં આપેલી કોલમનું પણ ધ્યાન રાખવું જરુરી છે.

૨. તમારા જેટલા ખાતાં હોય, એ તમામ ખાતાની વિગતો ચોક્સાઈથી ભરવી. કેટલાંક લોકો પોતાની લોનના યા અન્ય પ્રકારની લેવડ-દેવડના ખાતા છૂપાવે છે. તેમ કરવાથી સજા થઈ શકે છે.

૩. આઈટીઆર ભરાઈ ગયા બાદ તેનું ઈ-વેરીફિકેશન થાય છે. આમ થયા પછી જ સમગ્ર પ્રક્રિયા પૂરી થયેલી મનાય છે. તમારા આઈટીઆરના સ્ટેટસની તપાસ તમે ઓનલાઈન પણ કરી શકો છો.