દુબઇ 

ભારતીય ક્રિકેટના બે સુપરસ્ટાર લગભગ 15 મહિના પછી એકસાથે ક્રિકેટ મેદાન પર ઉતરશે. મહેન્દ્ર સિંહ ધોની અને વિરાટ કોહલી છેલ્લે વર્લ્ડ કપ 2019ની સેમિફાઈનલમાં એકસાથે મેદાન પર હતા. હવે 15 મહિના પછી ધોની અને કોહલી વિરોધીના સ્વરૂપમાં આઈપીએલ મેચમાં એક-બીજાની સામે હશે. દુબઈના ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં તેઓ પોત-પોતાની ટીમ ચેન્નઈ સુપરકિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુની કેપ્ટની કરશે. બંને સામે મોટી જવાબદારી છે, કેમ કે તેમની ટીમે આશા મુજબ ટૂર્નામેન્ટમાં શરૂઆત કરી નથી. જોકે, કોહલીની બેંગલુરુ ધોનીની ચેન્નઈથી સારી સ્થિતિમાં છે. 

કોહલીની ટીમ પોઈન્ટ ટેબલમાં પણ ઉપર છે. આ વર્ષે ચેન્નઈ માટે બધું જ સારું રહ્યું નથી. તેનું ટીમ કોમ્બિનેશન પણ સારું નથી બની રહ્યું. સામે પક્ષે કોહલીની ટીમમાં પણ સાતત્ય નથી. તેની બોલિંગ હજુ પણ ચિંતાનો વિષય છે અને બેટિંગમાં કોહલી અને ડીવિલિયર્સ પર અતિ નિર્ભર છે.

ચેન્નઈ અને બેંગલુરુ વચ્ચે અત્યાર સુધી રમાયેલી 25 મેચમાંથી ચેન્નઈએ 16 જ્યારે બેંગલુરુએ 8 મેચ જીતી છે. એક મેચ ડ્રો રહી. બીજી તરફ કોલકાતા અને પંજાબ વચ્ચેની 25 મેચમાંથી કાર્તિકની ટીમે 17, જ્યારે રાહુલની ટીમે 8 મેચ જીતી છે.

અબુ ધાબીના શેખ ઝાયેડ સ્ટેડિયમમાં કોલકાતા અને પંજાબ બપોરે રમવાના છે. પંજાબ હજુ પણ ટેબલમાં અંતિમ સ્થાને છે, તો કોલકાતા થોડી સારી સ્થિતિમાં છે. પંજાબ પાસે રવિ બિશ્નોઈ અને મોહમ્મદ શમી સિવાય સારો બોલર નથી અને બેટિંગ કેપ્ટન લોકેશ રાહુલ અને મયંક અગ્રવાલ પર નિર્ભર છે. બીજા બેટ્સમેન સારો સ્કોર કરી શક્યા નથી. છેલ્લી મેચમાં એકમાત્ર નિકોલસ પૂરન રમ્યો હતો. સામે પક્ષે કોલકાતાએ પોતાનું ફોર્મ પાછું મેળવ્યું છે. રાહુલ ત્રિપાઠીએ ઓપનિંગમાં કમાલ કરી છે. મધ્યમ ક્રમ પણ સ્થિર બન્યો છે. તેમની બોલિંગ પણ ટૂર્નામેન્ટની સૌથી શ્રેષ્ઠ બોલિંગમાંની એક છે.