સિડની 

ઓસ્ટ્રેલિયા સામે ચાર ટેસ્ટની સીરિઝ પહેલાં ટીમ ઇન્ડિયા-A 3 દિવસીય પ્રેક્ટિસ મેચ રમી રહી છે. આ મેચને ફર્સ્ટ ક્લાસ સ્ટેટસ આપવામાં આવ્યું છે. બીજા દિવસના અંતે ઓસ્ટ્રેલિયા-Aની ટીમે 8 વિકેટે 286 રન કર્યા છે. યજમાન ટીમ ઇન્ડિયા-Aથી 39 રન આગળ છે. તેમના માટે પાંચમા ક્રમે રમવા આવેલા ઓલરાઉન્ડર કેમરન ગ્રીને 171 બોલમાં 10 ફોર અને 1 સિક્સની મદદથી 113* રન કર્યા. ભારત માટે ઉમેશ યાદવે સર્વાધિક 3 વિકેટ લીધી.

ઓસ્ટ્રેલિયન ઓપનર્સ સસ્તામાં પેવેલિયન ભેગા થયા હતા. વીલ પુકોવ્સ્કી 1 રને અને જો બર્ન્સ 4 રને ઉમેશના શિકાર થયા હતા. વિકેટકીપર ટિમ પેને 45, માર્કસ હેરિસે 35, માઈકલ નેસરે 33 અને નિક મેડીસને 23 રન બનાવ્યા. ભારત માટે ઉમેશ ઉપરાંત રવિચંદ્રન અશ્વિન અને મોહમ્મદ સિરાજે 2-2 વિકેટ લીધી. ઓફ સ્પિનર અશ્વિન આજે કેપ પહેરીને બોલિંગ કરતો જોવા મળ્યો હતો.


ઇન્ડિયા-Aએ પ્રથમ દાવ 247/9 ડિક્લેર કર્યો

સિડનીના ડ્રમમોયેન ઓવલ ખાતે 237/8થી દિવસની શરૂઆત કરનાર ઇન્ડિયા-Aની ટીમે સ્કોરબોર્ડમાં 10 રન ઉમેરીને ઇનિંગ્સ ડિક્લેર કરી હતી. કેપ્ટન અજિંક્ય રહાણે 112 રને અણનમ રહ્યો. તેણે 242 બોલની ઇનિંગ્સ દરમિયાન 18 ફોર અને 1 સિક્સ મારી. ઓસ્ટ્રેલિયા માટે જેમ્સ પેટિન્સને 3 વિકેટ, માઈકલ નેસર અને ટ્રેવિસ હેડે 2-2 વિકેટ, જ્યારે જેક્સન બર્ડ અને માર્ક સ્ટેકેટીએ 1-1 વિકેટ લીધી.