વડોદરા, તા.૨૮

વડોદરાના મુખ્ય આકર્ષણ પૈકી એક એવી સુરસાગર સ્થિત ૧૧૧ ફૂટ ઊંચી સર્વેશ્વર મહાદેવની પ્રતિમાના શ્રીમુખને સોનાથી મઢવાની કામગીરી પૂર્ણ થઈ છે. આવતીકાલે મહાશિવરાત્રિ પર્વે દર વર્ષની જેમ આ વર્ષે શિવજીની સવારી અને સાંજે સુરસાગર તળાવ ખાતે મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં મહાઆરતી યોજાશે. જાે કે, કોવિડ ગાઈડલાઈનના કારણે સવારીમાં ફલોટ અને અન્ય આકર્ષણો નહીં હોય.

મહાશિવરાત્રિ પર્વે પાછલાં કેટલાંક વરસોથી શિવજી કી સવારી અને સુરસાગરની મધ્ય સ્થાપિત શિવજીના સ્વરૂપ સર્વેશ્વર મહાદેવની મહાઆરતી પરંપરા બની ગઈ છે. શિવજી કી સવારી અને મહાઆરતીમાં હજારોની સંખ્યામાં શહેરીજનો દર વર્ષે જાેડાય છે. ત્યારે સત્યમ્‌્‌ શિવમ્‌ સુંદરમ્‌ સમિતિના સ્થાપક ધારાસભ્ય યોગેશ પટેલે કહ્યું હતું કે, સર્વેશ્વર મહાદેવની પ્રતિમાને સુવર્ણમઢિત કરવાના કાર્યનો પ્રારંભ તા.પ ઓગસ્ટ, ૨૦૧૯ના રોજ કરવામાં આવ્યો હતો. જેમાં સુવર્ણ આવરણ પહેલાં પ૦૦ કિલો ઝીંક ધાતુનું આવરણ ત્યાર બાદ ૮પ૦ કિલો તાંબાનું આવરણ ચઢાવવામાં આવ્યું. હવે મહાશિવરાત્રિ પૂર્વે શિવજીની પ્રતિમાના શ્રીમુખને સુવર્ણમઢિત કરવાની કામગીરી પૂર્ણ થઈ છે અને આવતા વર્ષે મહાશિવરાત્રિ પૂર્વે સંપૂર્ણ પ્રતિમાને સુવર્ણમઢિત કરવાની કામગીરી પૂરી થશે.આવતીકાલે મહાશિવરાત્રિ છે ત્યારે બપોરે ૪ વાગે દર વર્ષની જેમ ઋતુમુક્તેશ્વર મહાદેવથી શિવ પરિવાર નગરયાત્રાએ નીકળશે. શિવજી કી સવારી ચોખંડી, માંડવી, ન્યાયમંદિર, માર્કેટ ચાર રસ્તા, દાંડિયા બજાર ચાર રસ્તા થઈ સુરસાગર પહોંચશે, જ્યાં મહાઆરતી થશે. મહાઆરતીમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, મહેસૂલ-કાયદામંત્રી રાજેન્દ્ર ત્રિવેદી, મંત્રી મનીષા વકીલ, સાંસદ રંજનબેન ભટ્ટ, મેયર કેયુર રોકડિયા, ધારાસભ્યો સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહેશે, સાથે હજારોની સંખ્યામાં નગરજનો, મહાઆરતીમાં ઉપસ્થિત રહેશે. સુરસાગર તળાવ અને સર્વેશ્વર મહાદેવની પ્રતિમાને આકર્ષક રોશનીથી શણગારવામાં આવ્યું છે. મહાઆરતી બાદ શિવજી કી સવારી ગાંધીનગર ગ્રૂપ રાવપુરા ટાવર, કોઠી થઈને કૈલાસપુરી ખાતે યાત્રા સંપન્ન થશે. આમ આવતીકાલે સમગ્ર વડોદરા શિવમય બની જશે.

શિવજી કી સવારી દરમિયાન સવારીના રૂટ પર નો એન્ટ્રી

વડોદરા, તા. ૨૮

સત્યમ શિવમ સુંદરમ પરિવાર દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ શિવજી કી સવારીનું આયોજન કર્યું છે. આ શિવજીની સવારી શહેરના વાડી રણમુક્તેશ્વર મહાદેવ મંદિરથી નીકળી વિહાર સિનેમા ચાર રસ્તાથી જમણી બાજુ શાકમાર્કેટ,ચોખંડી ચારરસ્તા, ગેંડીગેટ દરવાજા, માંડવીથી ડાબી બાજુ વળી એમ.જી.રોડ, લહેરીપુરા દરવાજાથી સીધા લાલકોર્ટ તરફ જઈ ત્યાંથી ડાબી બાજુ વળી વીર ભગતસિંહ ચોક સર્કલથી જમણી બાજુ વળી રાજમહેલરોડ,ખંડેરાવ માર્કેટ ચારરસ્તાથી જમણી બાજુ વળી ફાયર બ્રિગેડ ત્રણ રસ્તાથી ડાબી બાજુ વળી મહારાણીસ્કુલ ત્રણ રસ્તા (સમર્થ ચોક) પહોંચશે જ્યાં મહાઆરતી બાદ સવારી સુરસાગર પાળેથી નીકળી પ્રતાપ ટોકિઝથી ડાબી બાજુ વળી મહાત્મા ગાંધીનગર ગૃહ જ્યુબિલીબાગ સર્કલથી ડાબી બાજુ વળી રાવપુરા રોડ, ટાવર ચારરસ્તા, કોઠી ચારસ્તાથી સીધા ફુલબારીનાકા કૈલાસપુરી આવીને પુર્ણ થશે. આ સમગ્ર રૂટ પર તા.૧ના બપોરે એક વાગ્યાથી શિવજી કી સવારી પુર્ણ ના થાય ત્યાં સુધી તમામ પ્રકારના વાહનો માટે પ્રવેશ બંધી અને નો પાર્કિંગ જાહેર કરાયો છે. આ રૂટ સિવાયના આસપાસના અન્ય માર્ગો પર વાહન વ્યવહાર ચાલુ રહેશે જયારે સવારી પસાર થયા બાદ વ્યવસ્થા મુજબ પ્રતિબંધિત રૂટ પર ફરી વાહનવ્યવહાર શરૂ કરાશે.

બે વર્ષ બાદ હર્ષોલ્લાસથી મહાશિવરાત્રિ પર્વની ઉજવણી કરવામાં આવશે

વડોદરા, તા. ૨૮

મહાશિવરાત્રીના આગલા દિવસથી જ સમગ્ર શહેર શિવમય થઈ ગયું હોય તેવા દ્રશ્યો શહેરમાં જાેવા મળી રહ્યા છે. કોરોના મહામારીને કારણે ગાઈડલાઈનને અનુસરીને તહેવાર કે પ્રસંગની ઉજવણી કરવામાં આવી રહી હતી. પરતું કોરોનાના કેસોમાં ધટાડો નોંધાતા હર્ષોલ્લાસ ભેર શિવભક્તો મહાશિવરાત્રીના પર્વની ઉજવણી કરશે. શહેરની પારંપારીક શિવજી કી સવારીમાં જાેડાવા માટે અનેક શિવ ભક્તો આતુરતા દાખવી રહ્યા છે. તો બીજી તરફ પૌરાણીક શિવમંદિરો તેમજ અન્ય શિવાલયોમાં પર્વને ધ્યાનમાં રાખીને શણગાર તેમજ કાર્યક્રમોની તૈયારીઓ શરુ કરી દેવામાં આવી છે.

પોલીસ બંદોબસ્તનું રિહર્સલ સાથે સુરસાગર ખાતે તપાસ

વડોદરા ઃ આજે શિવજી કી સવારીની યાત્રામાં તેમજ સુરસાગર ખાતે રાત્રે મહાઆરતીમાં રાજયના મુખ્યમંત્રી સહિત રાજકિય અગ્રણીઓ અને ભારે જનમેદની ઉમટવાની હોઈ શહેર પોલીસ તંત્રએ આજે સવારીના રૂટ પર બંદોબસ્તનું રિહર્સલ હાથ ધર્યું હતું જેમાં ડીસીપી સહિતના પોલીસ અધિકારીઓ અને પોલીસ જવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આ ઉપરાંત સુરસાગર ખાતે યોજનારી મહાઆરતીના સ્થળે પોલીસ ઉચ્ચાધિકારીઓની હાજરીમાં ડોગ સ્કવોડ અને બોંબ સ્કવોડે સલામતિના કારણોસર તપાસ હાથ ધરી હતી અને મુખ્યમંત્રી સહિતના મહાનુભવો કેવી રીતે અને ક્યાંથી આવશે તેમજ ક્યાં ઉભા રહેશે તેનું પણ રિહર્સલ કર્યું હતું. સવારી તેમજ મહાઆરતીમાં મોટી સંખ્યામાં મહિલાઓ પણ ભાગ લેનાર હોઈ વિવિધ પોલીસ મથકોની શી –ટીમની મહિલા પોલીસને પણ સમગ્ર રૂટ પર તેમજ મહાઆરતીના સ્થળે ફરજ પર તૈનાત કરવામાં આવી છે.