વડોદરા : તા.૩૦મી જુન સુધી વેક્સિન નહીં લેનાર વેપારીઓ સામે પોલીસની કાર્યવાહી સંદર્ભે મંત્રી યોગેશ પટેલે આજે કેબિનેટની બેઠકમાં ચર્ચા કર્યા બાદ વેક્સિન ન લીધી હોય તેવા વેપારીઓ સામે હવે પોલીસ કોઈ કાર્યવાહી નહીં કરે તેમ જણાવ્યું હતું. મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને મળેલી કોરકમિટીની બેઠકમાં વેપારી એકમો, વાણિજ્ય સંસ્થાઓ અને અન્ય સંસ્થાઓના કર્મચારીઓ માટે કોરોના વેક્સિન ફરજિયાત બનાવવામાં આવી છે તેની સમયમર્યાદા વધારીને તા.૧૦ જુલાઈ કરવામાં આવી હતી.

વડોદરાના પોલીસ કમિશનર દ્વારા થોડા દિવસ પહેલાં જાહેરાત કરવામાં આવી હતી કે તા.૩૦-૬ બાદ જે વેપારીઓએ વેક્સિન લીધી ન હોય અને દુકાનો કે ધંધા-રોજગાર ચલાવતા હોય તેવા વેપારીઓ સામે કાર્યવાહી કરવામાં આવશે. આ બાબતે આજે ગાંધીનગર ખાતે મળેલી મંત્રીમંડળની બેઠકમાં રાજ્યમંત્રી યોગેશ પટેલે મુખ્યમંત્રી, ગૃહ રાજ્યમંત્રી સાથે ચર્ચા કરી હતી. ત્યાર બાદ પોલીસ કમિશનર વડોદરા સાથે પણ આ બાબતે ચર્ચા કરી હતી અને વેક્સિન ન લીધી હોય તેવા વેપારીઓ સામે કોઈ પગલાં ન લેવા જણાવ્યું હતું.

જે બાબતે પોલીસ કમિશનરે જણાવ્યું હતું કે, તા.૩૦ જૂન બાદ પણ વેક્સિન ન લીધી હોય તેવા વેપારીઓ સામે કોઈ પગલાં લેવામાં આવશે નહીં. આ હકારાત્મક રજૂઆતથી તા.૩૦ જૂન પછી પણ કોરોનાની વેક્સિન ન લીધી હોય તેવા વેપારીઓને પોલીસ કાર્યવાહીમાંથી રાહત મળશે અને તેઓ પોતાના ધંધા-રોજગાર ચલાવી શકશે. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ પોલીસ વિભાગ દ્વારા માઈક લઈને વિવિધ વેપારી વિસ્તારોમાં તા.૩૦મી સુધી રસી લઈ લેવાની સુચના સાથે એનાઉસમેન્ટ કરવામાં આવ્યું હતું. રસી નહીં લેનાર વેપારીઓ સામે કાર્યવાહી કરવા જણાવ્યું હતું. વેપારીઓએ પણ આ મામલે નારાજગી વ્યકત કરી હતી.