વડોદરા : કોરોનાની કટોકટીમાં જેમને ડાયાલિસીસની જરૂર છે તેવા કોરોના પોઝિટિવ દર્દીઓને સયાજી હોસ્પિટલમાં જીવનરક્ષક સુવિધા પૂરી પાડી ર૭૦ જેટલા જરૂરિયાતમંદ દર્દીઓનું ડાયાલિસીસ કરવામાં આવ્યું છે. કોરોનાકાળમાં ખાસ કરીને કોવિડ-૧૯ પોઝિટિવ અને જેમને નિયમિત કે સમયાંતરે ડાયાલિસીસ એટલે મશીન દ્વારા લોહી શુદ્ધ કરાવવાની જરૂર પડે છે તેવા દર્દીઓ માટે ખાસ તકલીફ ઊભી થઈ હતી. જાે કે, ખાનગી અને ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલોમાં ડાયાલિસીસ સિસ્ટમ મર્યાદિત હોવાથી કોરોના પોઝિટિવને સેવા આપવી શક્ય ન હતી એટલે તેમને સરકારી હોસ્પિટલમાં રિફર કરવામાં આવતા હતા. ડાયાલિસીસના દર્દીઓના ધસારાને કેન્દ્રમાં રાખી સયાજી હોસ્પિટલના ડાયાલિસીસ ડિપાર્ટમેન્ટમાં આવેલા ૧૨ મશીનો પૈકી બે મશીન કોરોના વિભાગને ફાળવી આપવામાં આવતાં કોવિડ-૧૯ વિભાગમાં કોરોના પોઝિટિવ દર્દીઓ માટે અલાયદી સુવિધા શરૂ કરવામાં આવી છે, જે સુવિધા દર્દીઓ માટે આશીર્વાદરૂપ બની રહી છે. આ સુવિધા ઉપલબ્ધ કર્યા બાદ ર૭૦થી વધુ વાર દર્દીઓનું ડાયાલિસીસ કરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે. સયાજી હોસ્પિટલના કોવિડ સુવિધા માટેના નોડલ અધિકારી ડો. બેલિમે જણાવ્યું હતું કે કોરોના કટોકટી આગળ વધવાની સાથે જરૂરિયાતમંદ દર્દીઓ આવવાના શરૂ થતાં અહીં અલગ હીમો ડાયાલિસીસ યુનિટ કોરોના આઈસીયુ તેમજ કોરોના વોર્ડમાં શરૂ કરવામાં આવ્યું છ. આ યંત્રોને આર.ઓ. પ્લાન્ટ સાથે જાેડવા જરૂરી હોવાથી બે આર.ઓ. પ્લાન્ટની પણ સ્થાપના કરવામાં આવી. કોરોનાના સમયમાં ડાયાલિસીસ માટે સતત ધસારો રહેતો હોવાથી દર્દીઓને કોઈ તકલીફ ન પડે તેની તકેદારી રાખવામાં આવી રહી છે.