વડોદરા-

ફ્રાન્સમાં કોરોના વાયરસની મહામારી ચાલી રહી છે અને હાલમાં જ ફ્રાન્સમાં કોરોનાની બીઈજી લહેર આવતા કોરોનાના કેસોમાં પણ મોટો વધારો થયો છે, ત્યારે બીજી તરફ ફ્રાંસ હવે મોહમ્મદ પયગંબરના કાર્ટૂનને લઈને થઇ રહેલી હિંસાથી ભડકે બડી રહ્યું છે. ફ્રાન્સમાં આ વિવાદને લઈ દુનિયાના અન્ય મુસ્લિમ બહુમતી ધરાવતા દેશોએ પણ વિરોધ દર્શાવ્યો છે, ત્યારબાદ આ હિંસાનો વિરોધ હવે વડોદરા સુધી પણ પહોંચી ગયો છે. ફ્રાન્સમાં થયેલા વિવાદને લઈ વડોદરામાં ફ્રાન્સનાં રાષ્ટ્રપતિ વિરૂદ્ધ પોસ્ટર્સ લાગ્યાં છે અને આ પોસ્ટરોમાં રાષ્ટ્રપતિ ઇમેનુલ મેક્રોન સામે વિરોધ દર્શાવવામાં આવી રહ્યો છે. વડોદરાના લઘુમતી વિસ્તારમાં ફ્રાન્સ વિરૂદ્ધ પોસ્ટર્સ લાગ્યાં છે, જેમાં શહેરના રાવપુરાનાં નવાબવાડામાં ફ્રાન્સનાં બહિષ્કારનાં બેનર્સ લાગ્યા છે. આ પોસ્ટરોમાં ફ્રાન્સના રાષ્ટ્રપતિએ ધાર્મિક લાગણી દુભાવી હોવાનો આરોપ લગાવ્યો છે અને જાહેરમાર્ગ પર ફ્રાન્સનાં બોયકોટનું પોસ્ટર ચોંટાડાયું છે. સાથે સાથે લોકો દ્વારા ફ્રાન્સની ચીજવસ્તુઓનો બહિષ્કાર કરવાની અપીલ કરાઈ છે.