વડોદરા : જિલ્લા કલેકટર તરીકે નવનિયુક્ત આર.બી.બારડે આજે સવારે પદભાર સંભાળી લીધો હતો. અગાઉના કલેકટર શાલિની અગ્રવાલની બઢતી સાથે મહાનગરપાલિકામાં મ્યુનિ. કમિશનર તરીકે બદલી કરાઈ હતી. અત્રે ગુજરાતી સનદી અધિકારીની જ નિમણૂક થશે એવી ચર્ચાઓ ચાલી રહી હતી.

 તાજેતરમાં જ રાજ્ય સરકારે ૭૭ સનદી અધિકારીઓની બદલીઓ કરી હતી. જેમાં મહિસાગર જિલ્લા કલેકટર આર.બી.બારડની વડોદરા જિલ્લા કલેકટર તરીકે નિમણૂક કરાઈ હતી. આજે કોઠી કચેરી ખાતે આવી પહોંચેલા આર.બી.બારડનું અધિક કલેકટર દિલીપ પટેલ અને જમીન સુધારણા નાયબ કલેકટર ખ્યાતિ પટેલ સહિત ઉચ્ચ અધિકારીઓએ પુષ્પગુચ્છ અર્પણ કરીને ઉષ્માભેર સ્વાગત કર્યું હતું. વિધિવત્‌ પદભાર સંભાળ્યા પછી તેમણે જણાવ્યું હતું કે હાલમાં કોરોનાની મહામારીની પરિસ્થિતિ છે ત્યારે રસીકરણ અગત્યનું છે અને રસીકરણ હજુ પણ વધુ વેગવાન બને તેવા પ્રયત્નો કરીશું. ભવિષ્યમાં કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવામાં સરળતા રહે અને ભૂતકાળના અનુભવનો વિનિયોગ થાય, ખામીઓ હોય તો સુધારી લેવાય તે રીતે સંભવિત કોરોનાની ત્રીજી લહેર સામેની પૂર્વતૈયારીઓને અગ્રતા આપવાની સાથે ચોમાસામાં લોકોને મુશ્કેલીઓ ન પડે તેના માટે યોગ્ય મોનિટરિંગ તેમજ રોજિંદા મહેસૂલી કામોનું સમયબદ્ધ નિરાકરણ અને જિલ્લા વહીવટીતંત્રના તમામ વિભાગો સાથે સંકલ્પથી લોકાપયોગી વહીવટીને અગ્રતા આપવાનું નવનિયુક્ત કલેકટર બારડે જણાવ્યું હતું.

ચોમાસાને અનુલક્ષીને પગલાં ભરવા સૂચના

નવનિયુક્ત કલેકટર આર.બી.બારડે પદભાર સંભાળતાં જ જિલ્લા વહીવટીતંત્રને અગમચેતીનાં પગલાં લેવા માટે સૂચના આપી હતી. ગત ચોમાસામાં જે વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયાં હોય તેવા વિસ્તારોના તમામ તાલુકા મામલતદારો અને ટીડીઓને સંબંધિત વિભાગના ઈજનેરો સાથે સ્થળમુલાકાત લઈ સત્વરે વરસાદી પાણીને અવરોધતા અંતરાયો દૂર કરવાનું જણાવી નાગરિકોને કોઈ મુશ્કેલી ન પડે એવું આયોજન કરવા ઉપર ભાર મૂકયો હતો.