નડિયાદ : નડિયાદ નગરપાલિકાનું વધુ એક કૌભાંડ સામે આવ્યાંનો આક્ષેપ થઈ રહ્યો છે. નડિયાદ પાલિકામાં શાસકો અને તેમનાં મળતિયાઓ દ્વારા સફાઈ કર્મચારીઓના હક્કના નાણાં પોતાના ખિસ્સામાં મૂકાયાં હોવાનો આક્ષેપ કરાતાં ચકચાર મચી ગઈ છે. આ સમગ્ર ઘટનામાં પ્રાપ્ત થતી વિગતો અનુસાર, પાલિકામાં તા.૬ ડિસેમ્બર, ૨૦૧૯ના ઓછા ભાવવાળી એજન્સી સંજય એચ.પટેલનો નગરપાલિકા અને તેનાં સંકુલની સફાઈ માટેનો કોન્ટ્રેક્ટ મંજૂર કરાયો હતો. આ કોન્ટ્રેક્ટમાં નગરપાલિકાએ મંજૂર કરતી વખતે જણાવ્યું હતું કે, નગરપાલિકા અને તેનાં પટ્ટાંગણી સફાઈ માટે કુલ ૬ કર્મચારીઓ રાખવા પડશે. આ કર્મચારીઓને પ્રતિદિન ૪૪૦ રૂપિયા પગાર લેખે આપવાના રહેશે. એક સફાઈ કર્મીને એક દિવસના ૪૪૦ રૂપિયા મુજબ તેનો માસિક પગાર ૧૩,૨૦૦ રૂપિયા ચૂકવવાનો થાય છે, પરંતુ કોન્ટ્રેક્ટર દ્વારા પાલિકાએ સૂચવેલાં કોન્ટ્રેક્ટ નિયમોના ધજાગરા ઉડાવી એક સફાઈ કર્મીને માસિક ફક્ત ૫૦૦૦ રૂપિયા જ ચૂકવાઈ રહ્યાં હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે. 

એટલે કે આ સમગ્ર ઘટનામાં એક કર્મચારીને માસિક રૂ.૧૩,૨૦૦ને બદલે રૂ.૫૦૦૦ જ ચૂકવી કોન્ટ્રેક્ટર રૂ.૮,૨૦૦ કર્મચારી દીઠ પોતાના ખિસ્સામાં મૂકે છે. તે જ રીતે ૬ કર્મચારીઓના ૮,૨૦૦ રૂપિયા લેખે ૪૯,૨૦૦ રૂપિયા માસિક ખવાઈ ગયાંનો આક્ષેપ થયો છે. આ કોન્ટ્રેક્ટ છેલ્લાં ૯ માસથી ચાલતો હોવાથી ૯ મહિનાના ૪૯,૨૦૦ રૂપિયા જાેડતાં કુલ રકમ ૪ લાખ ૪૨ હજાર રૂપિયા જેટલી થાય છે. નડિયાદ નગરપાલિકાના શાસકોના અને અધિકારીઓના નાક નીચે લાખો રૂપિયા કોન્ટ્રેક્ટર પોતાના ખિસ્સામાં ભરતાં હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે. આ સમગ્ર બાબતમાં શાસકો પણ આ બાબતથી વાકેફ હોય અને પોતાના મળતિયા કોન્ટ્રેક્ટરોને લાભ કરાવવા માટે ચૂપ હોય તેવાં આક્ષેપ થઈ રહ્યાં છે.

નડિયાદ નગરપાલિકાના કાઉન્સિલરોના ગોટાળા સામે આવ્યાં બાદ આ વધુ એક કૌભાંડ સામે આવતાં સમગ્ર નગરવાસીઓ પણ આશ્ચર્યમાં મૂકાયાં છે. તેમજ આ સમગ્ર ઘટનામાં તાત્કાલિક ધોરણે ખેડા જિલ્લા કલેક્ટર દ્વારા સીધી તપાસ હાથ ધરવામાં આવે તેવી માગ પણ પ્રબળ બની છે.

આક્ષેપોના મામલે કોન્ટ્રેક્ટરનું શું કહેવું છે?

આ બાબતે જે એજન્સી પાસે પાલિકાની સફાઈનો કોન્ટ્રેક્ટ છે તેનાં કોન્ટ્રેક્ટર સંજયભાઈ પટેલનો સંપર્ક સાધતાં તેમણે જણાવ્યું હતું કે, ભ્રષ્ટાચારનો મુદ્દો છે જ નહિ. ઘટના સામે આવતાં જ મેં તપાસ કરી છે. પેટા કોન્ટ્રેક્ટર પીન્ટુભાઈને આ બાબતનું ધ્યાન દોર્યું છે. તેમજ મુદ્દો કોન્ટ્રેક્ટ રિન્યૂ કરવાનો છે. કારોબારીને યોગ્ય લાગે તો કોન્ટ્રેક્ટ રેન્યૂ કરશે. એમને કોઈ ખામી જણાશે તો રિન્યૂ નહિ કરે. સંજયભાઈએ ગોલમાલની વાતને ટાળી સમગ્ર બાબતે રિન્યૂનો મુદ્દો સામે ધરી લૂલો બચાવ કર્યો હતો.

આઇએએસ દ્વારા તપાસ કરાશે તો અનેક ભાંડા ફૂટે એવી શક્યતા

આ સમગ્ર બાબતે પાલિકાના જ પટ્ટાંગણમાં ચાલતી ચર્ચાઓ મુજબ રાજ્ય સરકાર દ્વારા નિમાયેલાં આઇએએસ રાજ સુથાર દ્વારા નગરપાલિકાના તમામ દસ્તાવેજાે અને ઘટનાને સંબંધિત તથ્યોની તપાસ કરવામાં આવે તો નડિયાદ નગરપાલિકના વધારે કૌભાંડ સામે આવે તેવી શક્યતાઓ છે.

નાગરિકોએ જાગવું પડશે, ભ્રષ્ટાચારીઓ સામે અવાજ ઊઠાવવો પડશે ઃ સર્વ સમાજ સેના

આ સમગ્ર બાબતે સામાજિક કાર્યકર્તા અને સર્વ સમાજ સેના સંગઠન પ્રમુખ મહિપતસિંહ ચૌહાણે જણાવ્યું હતંુ કે, છેલ્લાં કેટલાંય સમયથી નડિયાદ નગરપાલિકાના એક બાદ એક કૌભાંડો સામે આવી રહ્યાં છે, ત્યારે પારદર્શી શાસનના ભાષણો કરતા જિલ્લાના નેતાઓના મુખ પર કોન્ટ્રેક્ટરોનો આ તમાચો છે. અગાઉ ખ કાઉન્સિલરોના સંબંધીઓના ભ્રષ્ટાચારના પુરાવા અને ઘટનાઓ સામે આવી છે. ત્યારબાદ સત્તાધીશોના મળતિયાઓના કૌભાંડો પણ સામે આવી રહ્યાં છે. હવે નાગરિકોએ પણ જાગવંુ પડશે અને ભ્રષ્ટાચારીઓ સામે અવાજ ઊઠાવવો પડશે.