ગાંધીનગર ભગવાન શ્રીરામના પાવન સ્પર્શથી સતી અહલ્યાનો ઉદ્ધાર થયો હતો, તેવી રીતે ગાંધીનગરની સેક્ટર-૨૮ની જીઆઇડીસી પણ તેને ઉદ્ધાર માટે કોઈ શ્રી રામ જેવી હસ્તીની રાહ જાેઈ રહી છે.ગાંધીનગર રાજયનું પાટનગર હોવાની સાથે સ્માર્ટ સિટી અને હરિયાળું શહેરનો દરજ્જાે ધરાવે છે. જાે કે, સેક્ટર-૨૮ની જીઆઇડીસી છેલ્લા ઘણા લાંબા સમયથી પ્રાથમિક સુવિધાઓની રાહ જાેઈ રહી છે. ગુજરાત રાજ્યમાં છેલ્લા ૨૭ વર્ષ કરતાં વધુ સમયથી સ્થાયી સરકારની સાથોસાથ હવે તો ડબ્બલ એન્જિનની સરકાર છે. ત્યારે આ ડબ્બલ એન્જિનની સરકારના વહીવટમાં પાટનગરની સેક્ટર-૨૮ની જીઆઈડીસીમાં પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવાય તો તેનો ઉદ્ધાર થાય તેની રાહ જાેઈ રહી છે. રાજ્યના પાટનગરમાં છાસવારે વાઈબ્રન્ટ ગુજરાત જેવા અનેકવિધ કાર્યક્રમો યોજાય છે, પાટનગરને નવોઢાની માફક શણગારવામાં આવે છે. પરંતુ આવા તમામ મોટા કાર્યક્રમોના ખર્ચાઓમાં દર વખતે સેક્ટર-૨૮ની જીઆઈડીસીના નાના-મોટા ઉદ્યોગપતિઓ યથાશક્તિ ફાળો આપે છે. આવા સહભાગી થતાં સેક્ટર ૨૮ જીઆઈડીસીના નાના-મોટા ઉદ્યોગપતિઓ, વેપારીઓ ઘણા લાંબા સમયથી પાયાની સુવિધા કે સગવડોથી વંચિત છે. દરેક ચૂંટણીમાં સ્થાનિક નેતાઓ દ્વારા લોભામણા વાયદા કરવામાં આવે છે. પરંતુ જીત્યા પછી જીઆઇડીસી વિસ્તાર તરફ નજર પણ કરવામાં આવતી નથી.છાશવારે સમગ્ર ગાંધીનગરના રોડ-રસ્તા, ફૂટપાથ, ગટરોના કામ કરવામાં આવી રહ્યા છે, પરંતુ ગાંધીનગરના છેવાડે આવેલી સેક્ટર-૨૮ની જીઆઈડીસી સાથે તંત્ર દ્વારા ઓરમાયું વર્તન કરી વિકાસ અને પાયાની જરૂરિયાતોથી વંચિત રાખવામાં આવી છે.સેક્ટર ૨૮ ની જીઆઈડીસીમાં ઉદ્યોગપતિઓ દ્વારા મોટા પ્રોપર્ટી ટેક્સ અને જીએસટી ટેક્સ ભરવામાં આવે છે, તેમ છતાં તેમના જીઆઈડીસી વિસ્તારમાં ઉદ્યોગકારોની સ્થિતિ ભારે દયનિય છે.

સેક્ટર ૨૮ ની જીઆઈડીસીના મુખ્ય મુદ્દાઓ

૧. આ ઔદ્યોગિક વિસ્તારમાં એક કલાક જ પાણીનો પૂરવઠો અપાય છે

૨. આટલી મોટી જીઆઈડીસીમાં જાહેર શૌચાલય કે મુતરડીનો અભાવ

૩. જીઆઈડીસીમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કે તાત્કાલિક સારવાર કેન્દ્રનો અભાવ

૪. વર્ષોથી તૂટેલા અને રિપેરિંગ માંગતા રોડ રસ્તા.

૫. જીઆઈડીસી વિસ્તારમાં છાશવારે ઉભરાતી ગટરોનો નિકાલ નથી આવતો

૬. ફાયર સેફ્ટી માટે સ્ટેન્ડબાય અગ્નિશામક વાહન કે આપતકાલીન ઘટનાને વખતે પહોંચી વળવા માટે સ્ટાફનો અભાવ

૭. જીઆઇડીસીમાં ૧૦૮ એમ્બ્યુલન્સ સેવાનું વાહન સ્ટેન્ડબાય અથવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર આપવા માંગ

૮. જીઆઈડીસીમાં પોલીસચોકી કે પીસીઆર વાનની નજીકમાં વ્યવસ્થા કરવા માંગ

૯. જીઆઈડીસી વિસ્તારમાં રખડતા કુતરાઓનો ત્રાસ હોવાથી કરડવાનો ડર

૧૦. જાહેરમાં પીવા માટેના પેયજળની વ્યવસ્થા નથી.