વડોદરા : હોળી-ધુળેટી પર્વને ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે વડોદરામાં મોટી સંખ્યામાં વિવિધ બાંધકામ ક્ષેત્રે તેમજ અન્ય વ્યવસાયમાં કામગીરી કરતા ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશમાં રહેતા આદિવાસી શ્રમજીવીઓની હોળી-ધુળેટી પર્વની ઉજવણી માટે વડોદરા સેન્ટ્રલ એસ.ટી. ડેપોમાં ભારે ભીડ જામી છે. હોળી-ધુળેટી જેને રંગોનો તહેવાર પણ કહેવામાં આવે છે તે ભારત, સુરીનામ, ગુયાના, ટ્રીનીદાદ, યુનાઈટેડ કિંગડમ અને નેપાળમાં ભારે લોકચાહાના ધરાવતો તહેવાર છે તેને વસંતોત્સવ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ તહેવારનો પ્રથમ દિવસ હોળી અને બીજાે દિવસ ધુળેટી તરીકે ઓળખાય છે. હોળી ફાગણ માસની પૂનમના દિવસે મનાવવામાં આવે છે. આ દિવસે સાંજે ગામના પાદર કે મુખ્ય ચોક પર છાણા-લાકડાંની હોળી ખડકવામાં આવે છે ત્યાર બાદ બધા લોકો ત્યાં વાજતે ગાજતે એકઠા થાય છે. આદિવાસી પંથકમાં ભારે ઉત્સવપૂર્વક હોળી અને ધુળેટીના તહેવારની ઉજવણી કરવામાં આવે છે. હોળીના બીજા દિવસે ધુળેટી મનાવાય છે. આ તહેવાર રંગોનો તહેવાર એટલે જ કહેવાય છે કે આ દિવસે સવારથી સૌ કોઈ નાના મોટા એકબીજા પર અબીલ-ગુલાલ તેમજ કેસૂડાના રંગો છાંટી પોતાનો ઉત્સાહ અને આનંદ માને છે.

વડોદરામાં છોટાઉદપુર, પંચમહાલ, દાહોદ, ઉપરાંત મધ્યપ્રદેશ, રાજસ્થાનના આદિવાસી વિસ્તારોમાંથી ખાસ કરીને બાંધકામ ક્ષેત્રની કામગીરી માટે મોટી સંખ્યામાં આદિવાસી પંથકમાંથી રોજગારી માટે આવે છે. પરંતુ હોળી પૂર્વે મોટાભાગના લોકો વતનની વાટ પકડે છે. ગત વર્ષે આ જ સમયગાળામાં લૉકડાઉન જાહેર થતાં અનેક શ્રમજીવીઓ પગપાળા વતનની વાટ પકડી હતી. આ વખતે કોરોનાનું સંક્રમણ વધ્યું છે. પરંતુ ટ્રાન્સપોર્ટેશનની સુવિધા ચાલુ છે ત્યારે હોળી-ધુળેટી પવ્ર્ની ઉજવણી ધામધૂમથી કરવા માટે વતન જવા માટે વડોદરા એસ.ટી. ડેપોમાં શ્રમજીવીઓની ભારે ભીડ ઉમટી પડી હતી અને સોશિયલ ડિસ્ટન્સની કોઈ જાળવણી કરાઈ ન હતી.