વડોદરા, તા.૩

વડોદરા કોર્પોરેશન દ્વારા કરોડોના ખર્ચે વિવિધ તળાવોનું બ્યૂટિફિકેશન તો કર્યું છે પરંતુ તેની જાળવણી માટે દુર્લક્ષ રાખતાં તેમજ મોટાભાગના તળાવમાં ડ્રેનેજના પાણીના કારણે ઝાડી-ઝાંખરાં, જંગલી વેલા ઊગી નીકળ્યા છે. પાલિકાની કચેરીની પાછળ આવેલ સિદ્ધનાથ તળાવમાં ગંદકી સાથે લીલની ચાદર છવાઈ છે. જ્યારે બે કાચકા મૃત અવસ્થામાં મળી આવ્યા હતા. તો આજવા રોડ કમલાનગર તળાવની પાસે કોર્પોરેશને સ્વચ્છતા અભિયાનનું બોર્ડ લગાવ્યું છે પરંતુ તેનું પાલન કોર્પોરેશન જ કરતી નથી તેવું તળાવની હાલત જાેઈને સ્પષ્ટ જણાઈ રહ્યું છે.

તળાવોના બ્યૂટિફિકેશનના નામે કોર્પોરેશન દ્વારા કરોડોના ખર્ચે શહેરમાં વિવિધ તળાવોનું નવિનીકરણ કરવામાં આવ્યું, પરંતુ ત્યાર બાદ આ તળાવોની જાળવણીના અભાવે તેમજ મોટાભાગના તળાવોમાં ડ્રેનેજના પાણી છોડાતાં દુર્ગંધના કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ઉપરાંત તળાવમાં ગંદકી, ઝાડી-ઝાંખરાં તેમજ જંગલી વેલા ઊગી નીકળતાં મચ્છરોનો ઉપદ્રવ પણ

 વધી ગયો છે.

ખંડેરાવ માર્કેટ પાછળ આવેલ સિદ્ધનાથ તળાવમાં ગંદકી અને પાણીમાં લીલ બાઝી જતાં લીલની ચાદર છવાઈ છે. જ્યારે તળાવમાં બે કાચબા પણ મૃત હાલતમાં મળી આવ્યા હતા. આ કાચબાનું મોત પાણીમાં ઓક્સિજનની કમીના કારણે થયું હોવાની શક્યતા વ્યકત કરાઈ રહી છે. સ્થાનિક કાઉન્સિલરે તાજેતરમાં જ તળાવમાં ડ્રેનેજના પાણી છોડાતાં વિરોધ કરીને તાત્કાલિક બંધ કરવાની માગ કરી હતી.

જ્યારે આજવા રોડ કમલાનગર તળાવના કિનારે કોર્પોરેશને સ્વચ્છતા સર્વેક્ષણનું બોર્ડ લગાડયું છે જેમાં નદી, તળાવને પ્રદૂષિત થતાં અટકાવીએ અને કચરાનો યોગ્ય નિકાલ કરીને પર્યાવરણને બચાવીએ તેમ લખ્યું છે. પરંતુ તળાવમાં ઊગી નીકળેલા ઝાડી-ઝાંખરાં અને ગંદકી જાેતાં કોર્પોરેશન જાતે જ તેનું પાલન કરતું નથી તે સ્પષ્ટ થાય છે.