વડોદરા : બુલેટ ટ્રેન પ્રોજેકટ અંતર્ગત રેલ્વેસ્ટેશનની આસપાસના વિસ્તાર માંથી બુલેટ ટ્રેનનો ટ્રેક પસાર કરવામાં આવશે. જેથી હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન દ્વારા જમીન સંપાદનની કાર્યવાહી શરુ કરી દેવામાં આવી છે. ત્યારે પંડ્યાબ્રીજ પાસે આવેલી નાણાંવટી ચાલ પણ જમીન સંપાદનમાં જતી હોવાથી ત્યાંના રહીશો દ્વારા પુરતુ વળતર મળે તેવી માંગણી સાથે દેખાવો કરવામાં આવ્યો હતો.તેમજ ૬૮ જેટલા રહીશોના દસ્તાવેજમાં ખામી આવી હોવાથી તેનું નિરાકરણ કર્યા વગર જ સરકારે ૧૧મી જુનનું અલ્ટીમેટમ અપાતા રહીશો દ્વારા હોબાળો મચાવવામાં આવ્યો છે.

હાલમાં ચાલી રહેલી કોરોના મહામારીમાં મોદીના ડ્રીમ પ્રોજેકટ એવા બુલેટ ટ્રેન પ્રોજેકટની કામગીરી આગળ વધારવી કે નહી તેના પર જ અનેક વિચારણાઓ ચાલી રહીછે ત્યારે શહેરના અધિકારીઓ દ્વારા જમીન સંપાદનની કામગીરી પુરઝડપે શરુ કરી દેવામાં આવી રહીછે.શહેરના રેલ્વેસ્ટેશન વિસ્તારની આસપાસની જમીન રેલ્વે ટ્રેકમાં જતી હોવાથી જમીન સંપાદન કરવાની કામગીરી શરુ કરી દેવામાં આવીછે. ત્યારે ગાયકવાડી શાસન સમયની આશરે સો વર્ષ જુની નાણાંવટી ચાલ પણ જમીન સંપાદનમાં જતી હોવાથી ત્યાનાં રહીશો દ્વારા તેમની માંગણીઓ પુરી કરવા તેમજ વળતર આપવા માટે દેખાવો કરવામાં આવ્યા હતા.ત્યાં રહેતા તમામ રહીશોએ જમીન આપવા માટે સહમતી દર્શાવી હતી પરંતુ તેમને પુરતુ વળતર મળે તેમજ ત્યાં રહેતા ૬૮ જેટલા રહીશોના દસ્તાવેજમાં પણ ખામી હોવાથી તેઓ દ્વારા તે ખામીઓનું સરકાર નિરાકરણ લાવે તેવી માંગ કરવામાં આવી છે. એ પહેલા પણ અનેક વાર માંગ કરવા છતાં પણ આ ખામીઓ દુર કર્યા વિના જ સરકાર દ્વારા ૧૧મી જુનનું રહિશોને અલ્ટીમેટમ આપી દેવામાં આવ્યું હતું. આ બાબત વિશે સક્ષમ અધિકારી જમીન સંપાદન અને પ્રાંત અધિકારી શહેર દ્વારા અપાયેલી નોટીસમાં જણાવવામાં આવ્યું હતું કે, “જમીન સંપાદન અંગે અનેક વાર વાકેફ કરવા છતાં પ્રતિભાવ મળ્યો નથી એટલે ૧૧મી જુને બપોરે ૧ વાગે પ્રાંત કચેરી, નર્મદા ભવન હાજર રહેવાનું જણાવવામાં આવ્યું છે જાે હાજર નહી થાય તો જમીન રેગ્યુલર એવોર્ડમાં સંપાદન કરવાની કામગીરી કરવામાં આવશે.”

જમીન સંપાદન અંગે વિરોધાભાસના કારણે ચાલીના રહીશો અટવાયા

નાણાંવટીચાલમાં રહેતા ૯૬ લોકો પૈકી ૭૦ લોકોએ સંમતિ આપી દીધી છે. જેમાંથી ૨૩ લોકોને ૮૦ ટકા જેટલા નાંણા પણ ચુકવી દેવામાં આવ્યાછે. જ્યારે બાકીના ૪૭ લોકોના દસ્તાવેજાેમાં ખામી જાેવા મળી હતી. ત્યારે આ ખામીઓનું નિરાકરણ લાવ્યા વિના જ ૧૧મી જુનનું અલ્ટીમેટમ આપી દેવામાં આવ્યું હતું.