આણંદ : આણંદના ઉમરેઠ તાલુકાના પણસોરા ગામનાં ખેડૂત વિક્રમસિંહને ટામેટાંની પ્રાકૃતિક ખેતી માટે તાલુકા કક્ષાનો બેસ્ટ આત્મા ફાર્મરનો એવોર્ડ અને રોકડ પુરસ્કાર આપવામાં આવ્યો છે. કહેવાય છે ને કે જે પરસેવે ન્હાય તેને જ સિદ્ધિ મળે છે. તમે કોઈ પણ ક્ષેત્રેમાં આગળ વધવા માગતાં હોવ ત્યારે ખૂબ મહેનત કરીને સતત કાર્યરત રહેવું પડે છે અને તો જ તેમાં સફળતા હાથ લાગે છે. આવી જ કંઈક વાત છે, આણંદ જિલ્લાના ઉમરેઠ તાલુકાના પણસોરા ગામનાં માત્ર ધોરણ-૧૦ સુધીનો અભ્યાસ કરનાર ખેડૂત પરિવારનાં પુત્ર વિક્રમસિંહ ચૌહાણની. જેણે પોતાના પરીવારની ખેતીને પોતાનો વ્યવસાય બનાવી દીધો અને ખેતીને પોતાની આગવી સૂઝબુઝથી ટામેટાંની ખેતી કરી અને આ ખેતીએ તેમને તાલુકા કક્ષાનો બેસ્ટ આત્મા ફાર્મરનો એવોર્ડ અપાવ્યો હતો. આ એવોર્ડ મળતાં ખેડૂત વિક્રમસિંહ ચૌહાણને પૂછવામાં આવ્યું કે, માત્ર ધોરણ-૧૦ સુધીનો અભ્યાસ હોવા છતાં આ કેવી રીતે શક્ય બન્યું? તેમણે આ વિશે જણાવ્યું હતું કે, આજથી દસ વર્ષ પહેલા મેં મારાં ખેતરમાં ટામેટાં અને ડાંગર જેવાં પાકોની ખેતીની શરૂઆત કરી હતી. સારાં ઉત્પાદનની આશાએ મેં ખેતરમાં યુરીયા અને સલ્ફેટનો ઉપયોગ કર્યો હતો, પરંતુ ધાર્યું પરિણામ મળ્યું નહીં, જેથી મેં વિચાર કર્યો કે એવું શું કરી શકું કે, જેનાંથી પાક પણ સારો થાય, જમીનને પણ નુકશાન ન થાય અને પાકની કિંમત પણ સારી મળે. વધુમાં તેમણે કહ્યું કે, હું સતત વિચાર કરતો હતો કે કઈ રીતે ખેતીમાં કંઈક નવું કરી શકું? નવું કરવા માટે મેં સોશિયલ મીડિયામાં સુભાષ પાલેકરજીના વિડિયો જાેવાનું શરૂ કર્યું, જે બાદ ધીમે ધીમે મારાં ખેતરમાં ૩ વિઘામાં પ્રાકૃતિક રીતે ટામેટાંની ખેતીની શરૂઆત કરી અને વિડિયોમાં આપવામાં આવતાં માર્ગદર્શન પ્રમાણે ખેતી પદ્ધતિ અપનાવી, જેથી પ્રાકૃતિક ખેતીમાં વધુ રસ પડવા માંડ્યો હતો. 

ત્યાર બાદ મને આત્મા પ્રોજેક્ટ વિશે માહિતી મળતાં આત્મા પ્રોજેક્ટની કચેરીમાં જઈને અધિકારીઓ પાસેથી માહિતી મેળવી જાેડાવા માટેની પ્રક્રિયા કરીને આગળ વધ્યો હતો. અવાર નવાર આત્માના અધિકારીઓ દ્વારા વિવિધ માર્ગદર્શના સેમિનારો વિશે માહિતી મેળવતો રહ્યો હતો. બાદમાં વડતાલ, સોખડા અને અમદાવાદ ખાતેની તાલીમ શિબિરમાં જાેડાયો હતો, જ્યાં સુભાષ પાલેકરજી અને અન્ય ખેતીના નિષ્ણાતો દ્વારા ગાય આધારિત પ્રાકૃતિક ખેતી, જીવામૃત, દસપર્ણી અને અન્ય બાબતો વિશે તાલીમ આપી હતી. વિક્રમસિંહ ચૌહાણ વધુમાં કહે છે કે, આજથી પાંચ વર્ષ પહેલાં આત્મા પ્રોજેક્ટમાં જાેેડાયાં પછી મારાં ખેતરમાં ૩ વિઘામાં ટામેટાંની પ્રાકૃતિક રીતે ખેતી કરવાની શરૂઆત કરી હતી. તેનાં દ્વારા ઉત્પાદિત ટામેટાંની ધીમે ધીમે ડિમાન્ડ વધવા માંડી હતી.