પૂણે-

મંગળવારે સવારે પૂણેની સીરમ ઈન્સ્ટીટ્યુટ ખાતેથી કોરોના વેક્સિનનો જથ્થો દેશના જૂદા જૂદા રાજ્યો માટે રવાના કરી દેવાયો હતો, જેમાં સૌપ્રથમ રસીનો જથ્થો જેને ફાળવવામાં આવ્યો છે એવા શહેરોમાં અમદાવાદનો પહેલો નંબર છે. જે ટ્રકોમાં વેક્સીનનો જથ્થો રવાના કરાયો હતો તેનું તાપમાન 3 ડિગ્રી જેટલું નીચું રખાયું હતું. આવા 478 બોક્સ દેશના 13 જુદા જુદા શહેરોમાં મોકલવામાં આવ્યા હતા. વેક્સીનના દરેક બોક્સનું વજન 32 કિલો છે અને તેમને રવાના કરતા પહેલાં સિરમ ઈન્સ્ટીટ્યુટ ખાતે પૂજા કરવામાં આવી હતી. 

પહેલા તબક્કામાં અમદાવાદ, દિલ્હી, કોલકાતા, ચેન્નાઈ, મેંગલુરુ, કરનાલ, હૈદરાબાદ, વિજયવાડા, ગુવાહાટી, લખનૌ, ચંદીગઢ,અને ભુવનેશ્વર ખાતે હવાઈ માર્ગે રસી મોકલવામાં આવી રહી છે. મુંબઈમાં સીધી ટ્રક દ્વારા રસી મોકલવામાં આવી રહી છે. 

રસીનો પહેલો જથ્થો ગુજરાતના અમદાવાદને મળવાનો છે અને એર ઈન્ડિયાની પહેલી ફ્લાઈટ દ્વારા આ જથ્થો સવારે પોણા અગિયાર વાગ્યે અમદાવાદ પહોંચી જશે. રાજ્યના ઉપ મુખ્યમંત્રી નિતીન પટેલે જણાવ્યું હતું કે, આ જથ્થો સરદાર વલ્લભભાઈ એરપોર્ટ ખાતે ડિલિવર કરવામાં આવશે. કેન્દ્ર દ્વારા જણાવાયું હતું કે, તેણ આ રસીના 6 કરોડ ડોઝનો ઓર્ડર આપ્યો છે.