વડોદરા, તા. ૧૭

લોકસભા ૨૦૨૪ની ચૂંટણીની જાહેરાત થતાની સાથે જ ગઈકાલથી જ સમગ્ર દેશમાં આદર્શ આચારસંહિતા અમલી બની છે. ત્યારે ચૂંટણીપંચના નિયમો અનુસાર વડોદરા જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા આદર્શ આચારસંહિતાની અમલવારી શરૂ કરી દેવામાં આવી છે. જે અંતર્ગત આજરોજ વડોદરા શહેર જિલ્લામાંથી રાજકીય પ્રચારાત્મક સાહિત્ય હટાવવાની કામગીરી કરવામાં આવી હતી. જેમાં શહેર જિલ્લામાંથી ૨૯૭૪થી વધુ સામગ્રી હટાવવામાં આવી છે.

જિલ્લા ચૂંટણી અધિકારી બિજલ શાહના માર્ગદર્શન હેઠળ વડોદરા શહેર જિલ્લામાં સમાવિષ્ટ વડોદરા, છોટાઉદેપુર અને ભરૂચ લોકસભા વિભાગના વિધાનસભા મતવિસ્તારોમાં આદર્શ આચારસંહિતાના અસરકારક અમલીકરણની શરૂઆત કરવામાં આવી છે. વડોદરા શહેરી વિસ્તાર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં નોડલ અધિકારીઓની નિમણૂંક કરાઈ છે. ઉપરાંત શહેર જિલ્લાના ૧૦ વિધાનસભા મત વિસ્તારમાં નોડલ અને મદદનીશ નોડલ અધિકારીની પણ નિમણૂક કરાઈ છે. શનિવારે લોકસભાની ચૂંટણીની જાહેરાત થતાંની સાથે જ શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં વિવિધ ટીમો દ્વારા રાજકીય પક્ષોની પ્રચારાત્મક સામગ્રી હટાવી લેવાની કામગીરી શરૂ કરાઈ હતી. નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી વિવેક ટાંકે જણાવ્યું હતું કે, શહેર જિલ્લાની જાહેર મિલકતોની દીવાલ પરથી ૭૪૮ લખાણો, ૩૮૫ પોસ્ટર્સ તથા ૨૩૨ બેનર્સ તેમજ ૬૭૫ જેટલી અન્ય પ્રચારાત્મક સામગ્રી સહિત કુલ ૨૦૪૦ જ્યારે ખાનગી મિલકતોની દીવાલ પરથી ૩૦૭ લખાણો, ૩૫૭ પોસ્ટર્સ, ૧૭ બેનર્સ અને ૨૫૩ અન્ય ૯૩૪ સહિત કુલ ૨૯૭૪ જેટલી રાજકીય પક્ષોની પ્રચારાત્મક સામગ્રી દૂર કરવામાં આવી છે.