લુણાવાડા, મહીસાગર જિલ્લામાં પ્રજાસત્તાક પર્વની જવણી પોલીસ પરેડ ગ્રાઉન્ડ લુણાવાડા ખાતે કોરોના અંતર્ગત જાહેર કરાયેલ ગાઇડ લાઇન અનુસાર કરવામાં આવી હતી. મહીસાગર જિલ્લા કલેક્ટર અને જિલ્લા મેજીસ્ટ્રેટ આર.બી.બારડે ધ્વજ વંદન કરી ત્રિરંગાને સલામી આપી હતી. ધ્વજવંદન કર્યા બાદ બારડે પરેડનું નિરીક્ષણ કરી સલામી ઝીલી હતી. ૭૨માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી પ્રસંગે અધ્યક્ષસ્થાનેથી જિલ્લા કલેક્ટર આર.બી.બારડે જિલ્લા કક્ષાના રાષ્ટ્રીય પર્વ નિમિત્તે નાગરીકોને શુભકામના પાઠવી સંબોધતાં જણાવ્યું હતું કે, આજના આ પર્વની ઉજવણી લુણાવાડા ખાતે થઇ રહી છે. તે આપણા બધા માટે ગૌરવની વાત છે તેમજ ભારતની આઝાદી માટે જાન ન્યોછાવર કરનારા અનેક નામી અનામી શહિદોને શ્રધ્ધા સુમન અર્પણ કરૂ છું. સરદાર વલ્‍લભભાઇ પટેલે દેશી રજવાડાંઓનું એકત્રીકરણ કરીને દેશની એકતા અને અખંડિતતા ટકાવી રાખવાનું જે ભગીરથ કાર્ય કર્યું હતું. ત્‍યારે આપણા સૌની પણ પવિત્ર ફરજ બની રહે છે કે દેશની એકતા અને અખંડિતતા ટકાવી રાખવા માટે આપણે સૌએ સંકલ્‍પબધ્‍ધ થવું પડશે.