મુંબઇ 

લૉકડાઉન દરમિયાન બોલિવૂડ સેલેબ્સે પૈસા, કરિયાણું, ફૂડ પેકેટ્સ, માસ્ક, PPE કિટ, સેનિટાઈઝર જેવી અનેક વસ્તુઓ દાનમાં આપી હતી. જોકે, એક એવી પણ બોલિવૂડ સેલિબ્રિટી છે, જેણે નવજાત શિશુઓને બચાવવા માટે 42 લીટર બ્રેસ્ટ મિલ્ક ડોનેટ કર્યું હતું. તાપસી પન્નુ તથા ભૂમિ પેડનેકર સ્ટારર ફિલ્મ 'સાંડ કી આંખ'ની પ્રોડ્યૂસર નિધિ પરમાર હિરાનંદાનીએ એક ઈન્ટરવ્યૂમાં આ ડોનેશન અંગ વાત કરી હતી.

નિધિએ આ વર્ષે ફેબ્રુઆરીમાં દીકરાને જન્મ આપ્યો હતો. નિધિના મતે, દીકરાને દૂધ પીવડાવ્યા બાદ તેને ખ્યાલ આવ્યો કે ઘણું બધું દૂધ વેડફાઈ રહ્યું છે, કારણ કે દીકરો પૂરતું દૂધ પીતો નહોતો. ધ બેટર ઈન્ડિયા સાથેની વાતચીતમાં નિધિએ કહ્યું હતું, 'મેં ઈન્ટરનેટ પર વાંચ્યું હતું કે જો ફ્રિજમાં યોગ્ય રીતે બ્રેસ્ટ મિલ્ક સ્ટોર કરવામાં આવે તો તે ત્રણથી ચાર મહિના સુધી સારું રહે છે.'

નિધિએ આગળ કહ્યું હતું, 'ઈન્ટરનેટ પર બ્રેસ્ટ મિલ્કનો ફેસ પેક બનાવવાની સલાહ આપવામાં આવી હતી. મારા કેટલાંક મિત્રોએ કહ્યું હતું કે આનો ઉપયોગ બાળકને સ્નાન કરાવવામાં અથવા પોતાના પગ સાફ કરવા માટે કરી શકાય છે. મને લાગ્યું કે આ તો દૂધનો વેડફાટ છે. હું સલૂનમાં દૂધ આપવા માગતી નહોતો. આથી મેં એ જાણવાનો પ્રયાસ કર્યો કે બ્રેસ્ટ મિલ્કને ક્યાં ડોનેટ કરી શકાય છે.'

નિધિએ કહ્યું હતું, 'મેં બાંદ્રા સ્થિત એક ગાયનોકોલોજિસ્ટનો સંપર્ક કર્યો હતો. તેમણે મને સૂર્યા હોસ્પિટલમાં દાન કરવાનું કહ્યું હતું. તે સમયે મારી પાસે 150 MLના 20 પેકેટ હતા. જોકે, લૉકડાઉનમાં ઘરની બહાર કઈ રીતે જવું તેનું ટેન્શન હતું. જોકે, હોસ્પિટલ ઘણી જ સારી હતી. તેમણે મારા ઘરેથી ઝીરો કોન્ટેક્ટ પિક-અપ સુવિધા આપી હતી.'

રિપોર્ટ પ્રમાણે, સૂર્યા હોસ્પિટલ 2019થી બ્રેસ્ટ મિલ્ક બેંક ચલાવે છે. નિધિના મતે, તે હોસ્પિટલ પણ ગઈ હતી અને બ્રેસ્ટ મિલ્ક બેંક કેવી રીતે કામ કરે છે, તે જોયું હતું. તેણે અહીંયા 60 બાળકો જોયા હતા, જેમને બ્રેસ્ટ મિલ્કની જરૂર હતી, આમાંથી ઘણાં પ્રી-મેચ્યોર હતાં અને વજન પણ ઓછું હતું. નિધિના મતે તે એક વર્ષ સુધી બ્રેસ્ટ મિલ્ક ડોનેટ કરવાનો પ્રયાસ કરશે.