વિકી કૌશલની આગામી ફિલ્મ એક બાયોપિક છે જેમાં તે ભારતના પહેલા ફિલ્ડ માર્શલ સેમ માણેક શાનો રોલ નિભાવી રહ્યો છે. તેમની 12મી પુણ્યતિથિ પર વિકીએ એક વીડિયો શેર કરી તેમને શ્રદ્ધાંજલિ આપી છે. સાથે તેણે ફિલ્મનો તેનો નવો લુક પણ શેર કર્યો છે. વિકીએ આ ફિલ્મનો ફર્સ્ટ લુક ગયા વર્ષે શેર કર્યો હતો. ડિરેક્ટર મેઘના ગુલઝાર સાથે રાઝી ફિલ્મમાં કામ કર્યા બાદ તેઓ ફરીવાર આ ફિલ્મમાં સાથે કામ કરી રહ્યા છે.

આ ફિલ્મના પ્રોડ્યુસર રોની સ્ક્રૂવાલા છે જેણે વિકી કૌશલ સ્ટારર ઉરી: ધ સર્જિકલ સ્ટ્રાઇક ફિલ્મ પણ પ્રોડ્યુસ કરી હતી. આ ફિલ્મને ‘રાઝી ફિલ્મના રાઇટર ભવાની ઐયર અને બધાઈ હો ફિલ્મના રાઇટર શાન્તનુ શ્રીવાસ્તવે લખી છે. અગાઉ ડિરેક્ટરે આ ફિલ્મને લઈને જણાવ્યું હતું કે, આ બાયોપિક નહીં હોય પરંતુ આ ફિલ્મમાં તેમના જીવનના અમુક યાદગાર કિસ્સાઓ, તેઓ એક સૈનિક તરીકે કેવા હતા વગેરે વાતો બતાવવામાં આવશે. ફિલ્ડ માર્શલ સેમ માણેક શો સેમ બહાદુર તરીકે જાણીતા છે. તેઓ 1971ની ઈન્ડો-પાક વોરના આર્મી ચીફ હતા. યુદ્ધના વિજયમાં તેમનો મહત્ત્વપૂર્ણ ફાળો હતો. તેમને પદ્મ ભૂષણ અને પદ્મ વિભૂષણ અવોર્ડથી નવાજવામાં આવ્યા હતા.