વડોદરા,તા.૨૪  

 પાલિકા હસ્તકની પાણી પુરવઠા શાખા દ્વારા વર્ષે દહાડે કરોડો રૂપિયાના ખર્ચાઓ કરવામાં આવે છે.તેમ છતાં રોજે રોજ કોઈને કોઈ જગ્યાએ પાણીની લાઈનોમાં ભંગાણ સર્જાવા પામે છે.તેમજ આ સિલસિલો યથાવત રહે છે.જેને લઈને હજારો ગેલન પાણીના વેડફાટ ઉપરાંત હજારો નાગરિકોને હેરાનગતિ થાય છે.તેમ છતાં વર્ષે દહાડે પાણીની લાઈનો પાછળ કરોડોનો ધુમાડો કરનાર પાલિકા તંત્ર દ્વારા આ બાબતમાં જવાબદારો સામે કોઈપણ પ્રકારના પગલાં લેવામાં આવતા નથી.એટલુંજ નહિ નબળી કામગીરી ઉપર ઢાક પીછોડો કરવાને માટે કોઈને કોઈ ટેક્નિકલ બહાનું આગળ ધરીને ઇજારદારોનો બચાવ કરી લેવાય છે.તેમજ ખાતર પર દિવેલની માફક આ લાઈનોને રીપેરીંગ કરવાને માટે નક્કી કરેલા ઇજારદારને તાકીદના કામ તરીકે કોઈપણ પ્રકારના અંદાજ નક્કી કર્યા વિના કામ આપીને લાખો રૂપિયાના બીલો મંજુર કરી દેવાય છે.પરંતુ નબળી કામગીરી કરનાર ઇજારદારો સામે પગલાં ન લેવાતા હોવાથી પગલાં લેવાની માગ આરટીઆઈ એક્ટિવિસ્ટ અતુલ ગામેચી દ્વારા પાલિકાના કમિશ્નર નલિન ઉપાધ્યાય,મેયર ડો.જિગીષાબેન શેઠ અને સ્થાયી સમિતિના અધ્યક્ષ સતીશ પટેલ સમક્ષ કરાઈ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલ આજવા રોડના સરદાર એસ્ટેટ પાસે અને બાયપાસ પાસેની લાઈનોમાં આંતરે દિવસે ભંગાણ સર્જાતું હતું.જેની પાછળ પણ લાખો રૂપિયા ખર્ચાયા પછીથી પણ સરદાર એસ્ટેટની લાઈનમાં ભંગાણ સર્જાતું હતું.જેમાં આજ સુધી કોઈ તાપસ સુધ્ધાં કરાઈ નથી.