મુંબઈ-

પ્રથમ ડે-નાઇટ ટેસ્ટ જ્યાં રમાવાની છે એ ઍડીલેડમાં કોરોનાનો પ્રકોપ વધી રહ્યો હોવાથી ત્યાં છ દિવસનું લૉકડાઉન લગાવી દેવામાં આવ્યું છે. આને લીધો ટેસ્ટ સિરીઝના શેડ્યુલમાં બદલાવ થવાની ચર્ચા થવા લાગી છે અને કદાચ પહેલી ટેસ્ટ ઍડીલેડને બદલે બ્રિસ્બેનમાં રમાય એવી શક્યતા છે.

આ અંગે ઑસ્ટ્રેલિયાના પેસબોલર જોશ હેઝલવુડે કહ્યું હતું કે 'જો પરિસ્થિતિ એવી નિર્માણ થઈ અને પહેલી ટેસ્ટ ઍડીલેડમાં સંભવ ન થઈ શકી અને બ્રિસ્બેનમાં ગાબા ગ્રાઉન્ડમાં રમાઈ તો એ માટે અમારી ટીમ તૈયાર છે. ગાબામાં જેટલી વહેલી ટેસ્ટ રમાય એટલું સારું છે કેમ કે ત્યાં ડિસેમ્બર બાદ ગરમી વધી જાય છે. બ્રિસ્બેનમાં અમારો રેકૉર્ડ પણ સારો હોવાથી અમને ટેસ્ટ સિરીઝ ત્યાંથી શરૂ કરવાનું પણ ગમશે.' જોકે હેઝલવુડે કહ્યું હતું કે 'ડે-નાઇટ મૅચ પિન્ક બૉલથી માત્ર ઍડીલેડમાં જ રમાવી જોઈએ, કેમ કે ત્યાં ક્યુરેટરે પિન્ક બૉલ માટેની પરફેક્ટ પિચ બનાવી છે.' હેઝલવુડને આશા છે કે આ અંગે કદાચ એકાદ અઠવાડિયામાં નિર્ણય લેવાઈ જશે.