નવી દિલ્હી

ભારતીય ક્રિકેટ ટીમને લાગે છે કે ઓસ્ટ્રેલિયામાં તેમની સાથે સારો વ્યવહાર કરવામાં નથી આવતો. બંને ટીમ 4 ટેસ્ટ મેચની શ્રેણીની ત્રીજી મેચ રમવા માટે સોમવારે સિડની જવા રવાના થઈ હતી. આ મેચ 7 જાન્યુઆરીથી થશે. આ માટે તમામ ખેલાડીઓનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. બધાનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. કોરોના પ્રોટોકોલને કારણે ટીમને સિડનીની એક હોટલમાં ક્વોરન્ટીનમાં રાખવામાં આવશે. આ સ્થિતિમાં ભારતીય ખેલાડીઓએ નારાજગી વ્યક્ત કરી છે.

ટીમ ઈન્ડિયાનાં સૂત્રોના હવાલાથી ક્રિકેટ વેબસાઇટ ક્રિક્બઝે લખ્યું છે - તમે સ્ટેડિયમમાં ચાહકોને (20 હજાર લોકો) એન્ટ્રી આપો. તેમને મુક્તપણે જીવવાની મંજૂરી આપો અને અમને સીધા હોટલ પર જઇને ક્વોરન્ટીનમાં રહેવાનું કહો છો. ખાસ કરીને જ્યારે અમારા બધાનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો હોય. આ તો ઝૂમાં પ્રાણીઓ સાથે કરવામાં આવતું હોય એવું વર્તન છે. અમે નથી ઇચ્છતા કે આવું થાય. 

તેણે કહ્યું - સિડનીમાં જે કહેવામાં આવ્યું છે એનું અમે પાલન કરીશું. અમે ઇચ્છીએ છીએ કે દરેક ઓસ્ટ્રેલિયન નાગરિકની જેમ અમે પણ સમાન નિયમોનું પાલન કરીએ. તેથી જો દર્શકોને સ્ટેડિયમમાં આવવાની મંજૂરી ન હોય તો સમજી શકાય છે કે અમારે ક્વોરન્ટીનમાં કેમ રહેવું જોઈએ, નહિતર એનો કોઈ મતલબ નથી. 

ટીમ સૂત્રોએ સ્પષ્ટતા કરી છે કે ક્રિકેટ ઓસ્ટ્રેલિયાની મેડિકલ ટીમે ગયા અઠવાડિયે કડક સૂચના આપી હતી કે તેમને હોટલનો રૂમ છોડવાની મંજૂરી આપવામાં આવશે નહીં. ખાસ કરીને સિડની અને બ્રિસ્બેન ટેસ્ટ દરમિયાન. ભારતીય ખેલાડીઓએ પણ આ વાત સ્વીકારી લીધી હતી. જોકે ટીમ મેનેજમેન્ટે તરત તબીબી ટીમને કહ્યું હતું કે આ વાત સ્વીકારવી તેમના માટે મુશ્કેલ રહેશે. 

તાજેતરના અહેવાલોમાં દાવો કરાયો હતો કે ભારતીય ટીમ ક્વોરન્ટીન નિયમોને કારણે બ્રિસ્બેનમાં રમવા માગતી નથી, કારણ કે ખેલાડીઓને તાલીમ સિવાય બહાર જવા દેવામાં આવશે નહીં. એ જ સમયે ક્વીન્સલેન્ડ સરકારે કડક સૂચના આપી છે કે જો નિયમોનું પાલન કરવું હોય તો જ ટીમ ઇન્ડિયા ચોથી ટેસ્ટ રમવા બ્રિસ્બેન આવે.રોહિત શર્મા, શુભમન ગિલ, પૃથ્વી શો, ઋષભ પંત અને નવદીપ સૈની પર બાયો બબલ તોડવાનો આરોપ મૂકવામાં આવ્યો છે અને તપાસ ચાલુ છે. 1 જાન્યુઆરીએ એક વિડિયો અને કેટલાક ફોટા વાઇરલ થયા હતા, જેમાં પાંચેય ખેલાડી હોટલની અંદર જમતા જોવા મળ્યા હતા. ત્યાર બાદ તેમના પર નિયમો તોડવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો અને બધા આઇસોલેટ થઈ ગયા હતા. જોકે પાંચેય ખેલાડી ટીમ સાથે સિડની પહોંચશે. 

આ વિવાદ પર ભારતીય ટીમનાં સૂત્રોએ જણાવ્યું હતું કે - વરસાદને કારણે તમામ ખેલાડીઓ હોટલની અંદર બેસીને જમ્યા હતા. આ ખેલાડીઓને કેમ અલગ કરાયા એ અમારી સમજની બહાર છે. તેમને ફ્લાઇટમાં પણ અલગ બેસવાનું કહેવામાં આવ્યું છે. ખાસ કરીને જ્યારે તેમનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે, તોપણ તેમને આઇસોલેટ કરવામાં આવ્યા છે. 

IPL દરમિયાન ભારતીય ટીમ સપ્ટેમ્બરથી સતત ક્વોરન્ટીન અને બાયો બબલમાં છે. ઓસ્ટ્રેલિયામાં પણ તેઓ કડક નિયમોનું પાલન કરી રહ્યા છે. આ સવાલના જવાબમાં સૂત્રોએ કહ્યું - અમારા ખેલાડીઓને આ ટૂર માટે ખૂબ બલિદાન આપ્યાં છે. જેમ કે મોહમ્મદ સિરાજના પિતાનું અવસાન થયું હતું, પરંતુ તે ઘરે ગયો ન હતો અને પિતાને અંતિમ વિદાય આપી શક્યો ન હતો. અમારા બાકીના ખેલાડીઓ પણ સતત 6 મહિનાથી બાયો બબલમાં છે, આ સરળ નથી.​​​​​