મુંબઇ

શાઝા અને પ્રિયાંકના લગ્ન માટે હાલ બંને પરિવારો માલદીવ્સમાં છે. અહીં લગ્ન પહેલાના પ્રસંગો યોજાયા હતા. શાઝા અને પ્રિયાંકના પીઠીની તસવીરો અને વિડીયો વાયરલ થયા છે.

શર્મા અને મોરાની પરિવાર માલદીવ્સમાં મિત્રો અને નજીકના ફેમિલી મેમ્બર્સ સાથે આનંદનો સમય પસાર કરી રહ્યો છે. પદ્મિની કોલ્હાપુરેના દીકરા પ્રિયાંકના લગ્ન પ્રોડ્યુસર કરીમ મોરાનીની દીકરી શાઝા સાથે માલદીવ્સમાં થયા છે. તેના માટે શક્તિ કપૂર, શ્રદ્ધા કપૂર, શિવાંગી કોલ્હાપુરે, ટુટુ શર્મા, કરીમ મોરાની, ઝોઆ મોરાની અને પરિવાર, મોહમ્મદ મોરાની અને પરિવાર, પદ્મિનીની બેસ્ટફ્રેન્ડ પૂનમ ધિલ્લોન અને તેનો પૂર્વ પતિ અશોક ઠાકેરિયા માલદીવ્સમાં હાજર છે.


જો કે, પ્રિયાંક અને શાઝાના લગ્નની ઉજવણીમાં ભંગ પડ્યો છે. માલદીવ્સથી આવ્યા બાદ મહારાષ્ટ્રમાં કપલના હિંદુ વિધિથી લગ્ન થવાના હતા. પરંતુ હવે તે પાછા ઠેલાયા છે. એમ્બી વેલી અથવા ખંડાલામાં બંને પરિવારો અને મહેમાનોની હાજરીમાં શાઝા-પ્રિયાંકના હિંદુ વિધિથી લગ્ન થવાના હતા. 5 માર્ચે યોજાનારા લગ્નમાં લગભગ 250 મહેમાનો આમંત્રિત કરાયા હતા.

સૂત્રના જણાવ્યા અનુસાર, "હાલ મહારાષ્ટમાં કોરોનાના કેસ વધી રહ્યા છે અને આમંત્રિતોની સંખ્યા 250થી ઘટાડીને ફરી 50 કરી દેવામાં આવી છે. ત્યારે હાલ લગ્ન મોકૂફ રખાયા છે. શર્મા અને મોરાની પરિવાર હિંદુ વિધિ જલદી જ લગ્ન કરાવા માગે છે પરંતુ હવે થોડી પાછળની તારીખ પસંદ કરશે. માલદીવ્સમાં પ્રી-વેડિંગ ફંક્શન યોજાયા છે અને ત્યારબાદ હિંદુ લગ્ન થવાના હતા. પરંતુ હાલ મુલતવી રખાયા છે."

ઉલ્લેખનીય છે કે, શાઝા અને પ્રિયાંકે 4 ફેબ્રુઆરી 2021ના રોજ કોર્ટ મેરેજ કર્યા હતા. જે બાદ શાઝાના ઘરે પાર્ટી રાખવામાં આવી હતી. જેમાં અનિલ કપૂર, બોની કપૂર, જૂહી ચાવલા, નિખિલ દ્વિવેદી, રાજકુમાર સંતોષી, રૂમી જાફરી સહિતના સેલેબ્સ હાજર રહ્યા હતા. આ ઉપરાંત પરિવારજનોની હાજરીમાં શાઝા અને પ્રિયાંકે નિકાહ પણ કર્યા હતા. શાઝાની બહેન ઝોઆએ અમારા સહયોગીને આપેલા ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, શાઝા-પ્રિયાંકની લવસ્ટોરી 16 વર્ષ પહેલા શરૂ થઈ હતી અને હવે તેઓ પરણી ગયા છે.