વડોદરા, તા.૭ 

બીસીએમાં બોર્ડ રિઝોલ્યુશન વગર એસ્કો એકાઉન્ટના નામે ખાનગી કોન્ટ્રાક્ટર સાથે મેળાપીપણું કરીને રૂા.૩૫ કરોડ ટ્રાન્સફર કર્યાના મામલે મહિને પાંચ લાખનો પગાર લેતાં સીઈઓ જે બીસીએની ટે ડુ ડે એક્ટિવિટી જાેવાની જવાબદારી છે તે આ મામલે શું કરતા હતા? તેવી ચર્ચાઓ બીસીએ વર્તુળોમાં થઈ રહી છે. બીસીએના સીઈઓની ડે ટુ ડે ફંક્શનિંગ, બજેટ, ખર્ચ સહિતની એક્ટિવિટી જાેવાની અને તે એપેક્ષ કાઉન્સિલ સમક્ષ મુકવાની જવાબદારી છે. આ ઉપરાંત જાે કાંઈ ખોટું થતું હોય તો તેનું ધ્યાન દોરીને અટકાવવાની જવાબદારી છે પરંતુ કોટંબી ખાતે સ્ટેડિયમ બનાવવાના નામે ટેન્ડર કે ખર્ચની ઈન્ફ્રા. ફાઈનાન્સ કમિટીને અંધારામાં રાખી તેમજ એપેક્ષ કાઉન્સિલની મંજૂરી વગર રૂા.૩૫ કરોડ ચૂકવવાના પ્રકરણમાં મહિને રૂા.પ લાખનો પગાર લેતાં સીઈઓ રૂા.૩૫ કરોડ ચૂકવવા મામલે શું કરતા હતા? તેવી ચર્ચા બીસીએ વર્તુળોમાં થઈ રહી છે. 

જ્યારે આ મામલે સમગ્ર પ્રક્રિયાનો વિરોધ કરનાર એક હોદ્દેદારને ટેક્સ બચતના નામે ચૂપ કરી દેવાયા હતા, જેથી બીસીએમાં સરમુત્યારશાહી ચાલતી હોવાની ચર્ચા પણ થઈ હી છે. ખાનગી કોન્ટ્રાક્ટર સાથે એસ્કો એકાઉન્ટ ખોલાવી તેમાં રૂા.૩૫ કરોડની રકમ ટ્રાન્સફર કરવાના પ્રકરણમાં ચાર મહિના થવા છતાં એપેક્ષ કાઉન્સિલ અજાણ તેમજ સ્ટેડિયમ બનાવવા સંદર્ભે કોન્ટ્રાક્ટર સાથે કયો કરાર કરાયો છે તેની હકીકત પણ એપેક્ષ કાઉન્સિલ સમક્ષ નહીં મૂકતાં અજાણ હોવાનું જાણવા મળે છે. આમ, આ તમામ પ્રક્રિયામાં સીઈઓની બજેટ, ખર્ચ સહિતની વિગતો એપેક્ષ કાઉન્સિલ સમક્ષ જાણ કરવાની જવાબદારી છે ત્યારે આ મામલે તેઓ શું કરતા હતા? તેમ બીસીએ સાથે સંકળાયેલા સૂત્રોએ જણાવ્યું હતું.

એપેક્ષ કાઉન્સિલના સભ્યોએ ઈમરજન્ટ મિટિંગની માગણી કરી

એપેક્ષ કાઉન્સિલની ગત મિટિંગ મળી હતી ત્યારે ટ્રેઝરર દ્વારા ખાનગી કોન્ટ્રાક્ટરને રૂા.૩૫ કરોડ ચૂકવવા મામલે કાંઈ રજૂ કર્યું નહોતું. ત્યારે આ તમામ બાબતોની સ્પષ્ટતા કરવી જાેઈએ અને તે માટે એપેક્ષ કાઉન્સિલની ઈમરજન્ટ મિટિંગ બોલાવવા માગણી કરી હોવાનું જાણવા મળે છે.

પાંચ હોદ્દેદારો પૈકી એકને અંધારામાં રખાયા?

બીસીએનું એસ્કો એકાઉન્ટ ખોલાવી તેમાં રૂા.૩૫ કરોડ ટ્રાન્સફર કરવાના મામલે એક હોદ્દેદારે એપ્રિલ મહિનાના પ્રથમ સપ્તાહમાં પોતે સંમત્ત હોવાનું જણાવ્યું હતું, પરંતુ રકમ તે પહેલાં જ ટ્રાન્સફર થઈ ગઈ હતી, ત્યારે આ હોદ્દેદારને પણ અંધારામાં રખાયા હોવાનું બીસીએમાં ચર્ચાઈ રહ્યું છે.

બેન્કમાં તપાસ થાય તો એકાઉન્ટ ખોલનારનું ભોપાળું બહાર આવે

કોઈપણ કંપની કે સંસ્થાનું એકાઉન્ટ ખોલવા માટે બોર્ડ રિઝોલ્યુશન જરૂરી હોય છે. આ નિયમોને નેવે મુકીને એકાઉન્ટ ખોલવામાં આવ્યું હોવાનું જાણવા મળે છે. આ સંદર્ભે એક્સિસ બેન્કમાં તપાસ થાય તો એકાઉન્ટ ખોલનાર અધિકારીનું ભોપાળું બહાર આવે. જાે કે, બીસીએમાં આ વિવાદને ઠારવા કેટલાકે પ્રયાસો શરૂ કર્યા હોવાનું જાણવા મળે છે.

બીસીએનું એક જૂથ કાયદાકીય

પ્રક્રિયા કરવા સક્રિય થયું?

બીસીએનું એસ્કો એકાઉન્ટ એક્સિસ બેન્કમાં ખોલાવી એપેક્ષ કાઉન્સિલની મંજૂરી વગર રૂા.૩૫ કરોડ ટ્રાન્સફર કરવાના મામલે બીસીએનું એક જૂથ આ પ્રકરણમાં કાયદાકીય પ્રક્રિયા કરવા સક્રિય બન્યું હોવાનું જાણવા મળે છે.