આણંદ : આણંદ, ખેડા, મહિસાગરના પશુપાલકો ધરાવતી અને ૪૪૦૦ કરોડના વાર્ષિક ટર્નઓવર ધરાવતી આણંદની અમૂલ ડેરીના નિયામક મંડળમાં ત્રણ સરકારી પ્રતિનિધિઓની કરાયેલી નિમણૂકને હાઇકોર્ટમાં પડકારવામાં આવી છે. પરિણામે અમૂલ ડેરીના ચેરમેન - વાઇસ ચેરમેનની ચૂંટણી યોજાઈ ગયાં પછી પણ પરિણામો અનામત રાખવામાં આવ્યાં છે. આ મુદ્દે આગામી ૨૪ નવેમ્બરના રોજ હાઇકોર્ટમાં સુનાવણી થવાની છે. આવાં સમયે સુરતની સુમૂલ ડેરીના એક કેસમાં હાઇકોર્ટે બંને સરકારી પ્રતિનિધિઓની નિયુક્તિ રદ કરતાં સનસનાટી મચી ગઈ છે. હાઇકોર્ટના આવાં ચૂકાદાને લઈને અમૂલ ડેરીમાં ખળભળાટ મચ્યો છે. હવે જાેવાનું એ રહે છે કે, અમૂલ ડેરીના કેસમાં હાઇકોર્ટ ક્યા તારણ પર આવશે? 

સૂત્રોના જણાવ્યાં અનુસાર, અમૂલ ડેરીના નિયામક મંડળમાં રાજ્ય સરકાર દ્વારા પોતાનાં ત્રણ પ્રતિનિધિઓની નિમણૂક કરાતાં એવાં આક્ષેપ થયાં હતાં કે, ભાજપની સરકાર અમૂલ ડેરીની સત્તા હસ્તગત કરવા માટે આવો પ્રયાસ કર્ય છે. ગત ૨૩ ઓક્ટોબરે ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણીમાં હાઇકોર્ટના વચગાળાના ચુકાદાના આધારે પ્રોસેસ કરવામાં આવી હતી. ત્રણ સરકારી પ્રતિનિધિઓ ઉપરાંત ૧૩ ચૂંટાયેલાં અને બે સહકારી કાયદા અનુસાર નિમાતાં ડિરેક્ટરર્સે મતદાન કર્યું હતું, પણ પરિણામ જાહેર કરવામાં આવ્યું નથી. જાેકે, આ ચૂંટણીમાં ચેરમેનપદ માટે રામસિંહ પરમાર સામે અન્ય કોઈ ઉમેદવારે ફોર્મ ન ભરતાં તેઓ બિનહરિફ થયાં હતાં.

જાેકે, જેને લઈને આખી મડાગાંઠ સર્જાઈ છે એ વાઇસ ચેરમેનપદ માટે કોંગ્રેસના રાજેન્દ્રસિંહ પરમાર અને ભાજપના રાજેશભાઈ પાઠક વચ્ચે ચૂંટણી યોજાઈ હતી. હાઇકોર્ટના આદેશ અનુસાર વિવાદી ત્રણ સરકારી પ્રતિનિધિઓના મત એક મતપેટીમાં અલગ મૂકવામાં આવ્યાં હતાં, જ્યારે બાકીના ૧૫ મતને અલગથી એક મતપેટીમાં મૂકીને મતપેટીઓને જિલ્લાની તિજાેરી કચેરી ખાતે સ્ટ્રોંગરૂમમાં મૂકવામાં આવી હતી.

હવે હાઇકોર્ટમાં આગામી ૨૪મી નવેમ્બરે યોજાનારી સુનાવણી પછી હાઇકોેર્ટ ચૂકાદો આપસે ત્યારે મતગણતરી કરી શકાશે. આ સમયે બીજી તરફ સુરતની સુમૂલ ડેરીમાં પણ બે સરકારી પ્રતિનિધિઓ નિમવાના સરકારના નિર્ણયને ચૂંટાયેલાં બે ડિરેક્ટર્સે હાઇકોર્ટમાં પડકાર્યો હતો. આ કેસમાં ચુકાદો આવી ગયો છે. હાઇકોર્ટે બંને સરકારી પ્રતિનિધિઓની નિયુક્તી રદ્દ કરી દીધી છે. હાઇકોર્ટે આપેલાં પોતાના ચૂકાદામાં એવું નોંધ્યું હતું કે, રજિસ્ટ્રાર દ્વારા સરકારની ભલામણ અનુસાર બે પ્રતિનિધિઓની નિમણૂક કરી હતી. તેમાંથી એક ચૂંટણી હારી ગયાં છે, જ્યારે બીજાનું ફોર્મ રદ્દ થયું છે. વળી તેઓની નિયુક્તી કરતી વખતે ચૂંટાયેલાં ડિરેક્ટર્સેને સાંભળવામાં પણ આવ્યા ન હતાં.

બીજી તરફ અમૂલના કેસમાં વિરોધાભાસ જાેવાં મળી રહ્યો છે. અમૂલના કિસ્સામાં સ્ટેટ રજિસ્ટ્રાર દ્વારા ત્રણેય સરકારી પ્રતિનિધિઓની નિયુક્તી પહેલાં ચૂંટાયેલાંં ૧૩ ડિરેક્ટર્સને કારણદર્શક નોટિસ ઇસ્યું કરવામાં આવી હતી. તેઓને સાંભળ્યાં પણ હતાં. સરકાર દ્વારા નિયુક્ત ત્રણેય ડિરેક્ટર સ્વતંત્ર છે. તેમાંથી બેએ ચૂંટણી લડવા માટે ફોર્મ ભર્યું હતું, પરંતુ પરત ખેંચી લીધાં હતાં, જ્યારે ત્રીજા સરકારી પ્રતિનિધિ શિક્ષકની નોકરી કરે છે.

જાણકારોનું કહેવું છે કે, અમૂલના કાયદાના પેટા નિયમો જણાવાયું છે કે, કોઈપણ સરકારી કર્મચારી ડિરેક્ટર તરીકે ચૂંટણી લડી ન શકે કે બની ન શકે. આ પહેલાં મહેમદાવાદના ધારાસભ્ય ગૌતમભાઈ ઝાલા વ્યવસાયે શિક્ષક હોય તેઓએ અમૂલ ડેરીની ચૂંટણી માટે ફોર્મ ભર્યું હતુ, જે રદ્દ થયું હતું.

હવે જાેવાનું એ રહે છે કે, અમૂલ ડેરીમાં ત્રણ સરકારી પ્રતિનિધિઓની નિયુક્તીના મુદ્દે હાઇકોર્ટ ક્યાં તારણો નોંધે છે? ચરોતર અને મહિસાગરના સહકારી અગ્રણીઓની નજર હવે તા.૨૪ નવેમ્બરે હાઇકોર્ટમાં થનારી સુનાવણી પર છે.

અમૂલ અને સુમૂલના કેસમાં શું તફાવત છે?

- સુરતની સુમૂલ ડેરીમાં નિયુક્ત ડિરેક્ટર્સમાંથી એક ચૂંટણી હારી ગયાં હતાં, એકનું ફોર્મ રદ્દ થયું હતું ઉપરાંત રજિસ્ટ્રાર દ્વારા સ્વતંત્ર અપોઇન્મેન્ટ નહીં કરીને બોર્ડના સભ્યોને પણ સાંભળ્યાં નહીં હોવાનું તારણ નીકળ્યું.

- આણંદની અમૂલ ડેરીના કિસ્સામાં બેએ ફોર્મ પાછા ખેંચી લીધાં હતાં, જ્યારે એક વ્યવસાયે શિક્ષક છે, સ્ટેટ રજિસ્ટ્રાર દ્વારા ૧૩ ડિરેક્ટર્સને સાંભળ્યા બાદ અપોઇન્મેન્ટ કરી હતી.