આણંદ : ઘણીવાર બાળકો માતા-પિતાના પ્રેમ અને હૂંફની ચિંતા કર્યા વગર કોઇક વાતે ખોટું લાગી આવતાં અચાનક ઘર છોડીને ચાલ્યાં જતાં રહે છે, પરંતુ આ બાળકને ખબર નથી કે તેનાં માતા-પિતા પર શું વીતતી હશે? અહીં આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. ઉત્તરપ્રદેશના હાથરસ જિલ્લાના એક બાળકનો.  

ઉત્તરપ્રદેશના હાથરસ જિલ્લામાં રહેતાં બાળકનાં પિતાનું અવસાન થતાં તેની માતાએ પુનઃલગ્ન કર્યા હતા. માતાએ પુનઃલગ્ન કરતાં તે માતા અને સાવકા પિતા સાથે રહેતો હતો, પરંતુ કોઇને કોઇ વાતે પિતા સાથે અણબનાવ રહેતાં બાળકને ઘરે રહેવું ગમતું ન હોવાથી કંટાળીને બાળક ઘરેથી ભાગીને ટ્રેન મારફતે તા.૨જી માર્ચના રોજ આવી આણંદ આવી ગયો હતો.

આણંદ રેલવે સ્ટેશનથી રેલવે ચાઇલ્ડ લાઇનને આ અજાણ્યો બાળક મળી આવતાં આણંદ જિલ્લાની ચાઇલ્ડ વેલફેર કમિટી સમક્ષ રજૂ કરી વિદ્યાનગર ખાતેના ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ ખાતે આશ્રય માટે દાખલ કરવામાં આવ્યો હતો. આ બાળકને દાખલ કરવામાં આવ્યાં બાદ સંસ્થા દ્વારા આ બાળકનું સતત કાઉન્સેલિંગ કરવામાં આવી રહ્યું હતું. બાળકની તેનાં માતા-પિતા અને કુટુંબીજનો વિશે પૂછપરછ કરવામાં આવી રહી હતી. સંસ્થા દ્વારા સતત કાઉન્સેલિંગ કરવાની સાથે સમજાવટથી પૂછપરછ કરવામાં આવતાં અંતે બાળકે પોતાના પરિવારની વિગતો જણાવી હતી. પોતે ઉત્તરપ્રદેશ રાજ્યના હાથરસ જિલ્લાનો વતની હોવાનું જણાવ્યું હતું.

બાળક પાસેથી વિગતો મળતાં બાળકનું માતા-પિતા સાથે પુનઃસ્થાપન કરવા માટેના પ્રયાસો હાથ ધરાયાં હતાં, પરંતુ બાળકના કુટુંબની આર્થિક પરિસ્થિતિ અત્યંત નબળી હોવાથી તેઓ બાળકને લેવા માટે આવવા તૈયાર થતાં ન હતાં. આ સમય દરમિયાન કોવિડ મહામારીને કારણે સમગ્ર દેશમાં લોકડાઉનના સખત અમલના કારણોસર બાળકને તેનાં કુટુંબ સાથે પુનઃસ્થાપન કરાવવાની કામગીરી વિલંબમાં પડી હતી. કોવિડ-૧૯ મહામારીનું લોકડાઉન પૂર્ણ થતાં જિલ્લા બાળ સુરક્ષા એકમના સુરક્ષા અધિકારી જીગીશા ઝાલાએ હાથરસ ચાઇલ્‍ડ વેલફેર કમિટી અને જિલ્લા બાળ સુરક્ષા અધિકારી સાથે સતત ટેલિફોનીક સંપર્ક સાથે પત્રવ્યવહાર કરીને બાળકને કચેરીના સ્ટાફ અને પોલીસ જાપ્તા સાથે મૂકવા આવવાની તેમજ ગુજરાત રાજ્ય બાળ સંરક્ષણ સોસાયટી દ્વારા પણ આ બાળકને મૂકવા જવાની મંજૂરી મેળવવામાં આવી હતી. આ મંજૂરી મળતાં બાળકનું મેડિકલ અને કોરોના ટેસ્ટ કરાવવામાં આવ્યો હતો, જે નેગેટીવ આવતાં બાળકને તા. ૧૪ સપ્ટેમ્બરના રોજ ટ્રેન મારફતે જિલ્લા બાળ સુરક્ષા એકમના જિમી આર.પરમાર અને પોલીસ જવાન અહેસાનભાઇને સાથે રાખીને તેનાં પરિવાર સાથે પુનઃસ્થાપન માટે ઉત્તરપ્રદેશના મથુરા થઇ હાથરસ ખાતે લઇ જવામાં આવ્યો હતો. જ્યાં ચાઇલ્ડ વેલફેર કમિટીના ચેરમેન, સભ્યો અને જિલ્લા બાળ સુરક્ષા અધિકારીની ઉપસ્થિતિમાં બાળકને માતા-પિતાને સોંપવામાં આવ્યો હતો. લગભગ ૧૦ મહિના બાદ પોતાના બાળકને પરત આવેલો જાેઈ માતા-પિતાની આંખમાં ઝળઝળીયા આવી ગયાં હતાં.