વડોદરા, તા.૧૪ 

વડોદરા કોર્પોરેશનના ફાયર વિભાગમાં વેઈટિંગ લિસ્ટમાં સમાવેશ કરાયેલા ર૦ કર્મચારીઓને બે વર્ષથી કોન્ટ્રાક્ટ બેઝ પર રાખીને કાયમી ન કરાતાં આ અંગે આજે કોન્ટ્રાકટ પર રાખવામાં આવેલા આ કર્મચારીઓએ રાજ્ય કક્ષાના મંત્રી યોગેશ પટેલને મળીને રજૂઆત કરી હતી. વડોદરા કોર્પોેરેશનના ફાયર વિભાગમાં વર્ષ ૨૦૧૮માં ખાલી પડેલી સબ ઓફિસરની ૯ અને સિનિકોની ર૭ જગ્યાઓ પર ભરતી કરવા માટે જાહેરાત કરાઈ હતી.

આ ભરતીમાં ૧૦૦૦ જેટલા યુવાનોએ ભાગ લીધો હતો. જેમાં ર૭ યુવાનોની ફાયરમેન તરીકે ભરતી કરવામાં આવી હતી અને ર૦ યુવાનોને વેઈટિંગ લિસ્ટમાં રાખવામાં આવ્યા હતા. જે તે સમયે તેમને જેમ જેમ જગ્યા ખાલી થશે તેમ તેમ ઓર્ડર કરી ભરતીની ખાતરી આપી હતી. પરંતુ જ્યાં સુધી ઓર્ડર ન નીકળે ત્યાં સુધી કોન્ટ્રાક્ટ પર ફરજ બજાવી શકો છો

તેમ કહ્યું હતું.

પરંતુ પાલિકા દ્વારા આ કર્મચારીઓને ઓર્ડર આપવાને બદલે નવી ભરતી પ્રક્રિયા હાથ ધરાતાં વિવાદ સર્જાયો છે. કોરોના મહામારીમાં ફાયર બ્રિગેડના કર્મચારીઓએ તમામ કામગીરીમાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે. પરંતુ પાલિકામાં ભ્રષ્ટાચાર માટે અવનવી તરકીબો અજમાવી મધ્યમ, ગરીબ વર્ગના યુવાનોને હેરાન કરવામાં આવે છે જે ગંભીર બાબત છે. આજે કોન્ટ્રાક્ટ પર કામ કરતા આ કર્મચારીઓએ રાજ્યના મંત્રી યોગેશ પટેલને મળીને રજૂઆત કરી હતી.