કગિસો રબાડા કે જસપ્રીત બુમરાહ પર્પલ કેપ પર કોણ કબ્જો કરશે?

અબુધાબીઃ  

આઈપીએલ 2020નો ફાઇનલ મુકાબલો મંગળવારે દિલ્હી કેપિટલ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે રમાશે. આઈપીએલ ઈતિહાસમાં દિલ્હીની ટીમ પ્રથમવાર ફાઇનલમાં પહોંચી છે. તેવામાં શ્રેયસ અય્યરની આગેવાની વાળી ટીમની નજર પ્રથમ ટાઇટલ પર હશે. બીજીતરફ રોહિતની આગેવાનીમાં ટીમ સતત બીજા વર્ષે ટાઇટલ કબજે કરવા ઈચ્છશે. મુંબઈની ટીમ ચાર વખત આઈપીએલની ટ્રોફી જીતી ચુકી છે. ટાઇટલની સાથે સાથે ખેલાડીઓની નજર પર્પલ કેપ અને ઓરેન્જ કેપ પર પણ હશે.

આઈપીએલની 13મી સીઝનમાં સૌથી વધુ વિકેટ લેવાના મામલામાં દિલ્હીના ફાસ્ટ બોલર કગિસો રબાડા અને મુંબઈના ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ વચ્ચે જોરદાર ટક્કર ચાલી રહી છે. રવિવારે દિલ્હી અને હૈદરાબાદ વચ્ચેની મેચ પહલા પર્પલ કેપ પર બુમરાહનો કબજો હતો, પરંતુ આ મેચમાં રબાડાએ 4 વિકેટ ઝડપી તેને પાછળ છોડી દીધો છે. દિલ્હીના ફાસ્ટ બોલરના નામે હવે 16 મેચોમાં 29 વિકેટ છે. તો બુમરાહના નામે 14 મેચોમાં 27 વિકેટ છે. કાલે રમાનારી મેચમાં જે પણ વધુ વિકેટ લેશે તે પર્પલ કેપ પોતાના નામે કરી લેશે. સૌથી વધુ વિકેટ ઝડપવાના મામલામાં ત્રીજા નંબર પર બુમરાહનો સાથી બોલર ટ્રેન્ટ બોલ્ટ છે. તેણે અત્યાર સુધી 22 વિકેટ ઝડપી છે.

બેટિંગની વાત કરીએ તો શાનદાર ફોર્મમાં ચાલી રહેલા દિલ્હીના ઓપનર શિખર ધવનની નજર ઓરેન્જ કેપ પર હશે. હાલ ટૂર્નામેન્ટમાં સૌથી વધુ રન બનાવવાના મામલામાં કિંગ્સ ઇલેવન પંજાબનો કેએલ રાહુલ પ્રથમ સ્થાન પર છે. તેણે 14 મેચોમાં 670 રન બનાવ્યા છે. બીજા નંબર પર શિખર ધવન છે. તેણે અત્યાર સુધી 603 રન બનાવ્યા છે. દિલ્હી તરફથી ધવને હૈદરાબાદ વિરુદ્ધ 78 રનની ઈનિંગ રમી હતી. મુંબઈ વિરુદ્ધ તે સારી બેટિંગ કરે છે અને વધુ 78 રન બનાવે તો ઓરેન્જ કેપ પોતાના નામે કરી લેશે.


© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution