મુંબઈ-

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ યાને બીસીસીઆઈની  આઈપીએલની આગામી સીઝનના આયોજનની તૈયારીઓ શરુ થઇ રહી છે. આ માટે ખેલાડીઓની થનારી હરાજી બાબતે  પણ ક્રિકેટ બોર્ડ દ્વારા કાર્યવાહી શરુ કરી દેવામાં આવી છે. આઈપીએલમાં ખેલાડીઓના મીની ઓક્શન ને લઇને નિયમો ચુસ્ત કર્યા છે. આઇપીએલ ઓક્શન આગામી ફેબ્રુઆરી માસના બીજા સપ્તાહમાં થશે એમ મનાય છે. જોકે આ માટે હજુ સત્તાવાર કોઈ જાહેરાત થઈ નથી.

બીસીસીઆઇએ આઇપીએલ ની 2021 ની સીઝન માટે થનારા ઓક્શનમાં સામેલ થનારા ખેલાડીઓ માટે નિયમોની યાદી બહાર પાડી છે. બીસીસીઆઇએ કહ્યુ કે, જો કોઇ ખેલાડીએ વ્યક્તિગત રીતે ઓકશનમાં સામેલ થવુ હશે, તો તેણે સીધા જ રાજ્યને જાણ કરવાની રહેશે.  આ માટે ખેલાડીના એજન્ટને વાત કરવામાં નહી આવે. ફેંન્ચાઇઝી જે ખેલાડીઓને રિટેન કરવા ઇચ્છતી હશે, તેની સુચી 20 જાન્યુઆરી સુધીમાં કોઇ પણ સંજોગોમાં આપી દેવી પડશે. જે ખેલાડીઓની સાથે કોઇ જ કરાર કરવામાં આવ્યો નથી, તેઓ 4 ફેબ્રુઆરી સુધીમાં પોતાની દાવેદારી રજૂ કરી શકશે. રાજ્ય સંઘોને કહેવામાં આવ્યુ છે કે, તેઓ કોઇ ખેલાડીને હરાજીમાં સામેલ કરવા ઇચ્છે છે તો ઔપચારીકતા સાથે મોકલી આપે. 

ક્રિકેટ બોર્ડે  ઓક્શનમાં ભાગ લેવા માંગતા અંડર-19 ખેલાડીઓ માટે પણ કેટલીક શરતો રાખી છે. તેવા તમામ ખેલાડીએ રાજ્ય સંઘો સાથે માન્યતાપ્રાપ્ત હોવો જોઇએ. ખેલાડી ઓછામાં ઓછી એક પ્રથમ શ્રેણી અથવા લિસ્ટ એ મેચ રમી ચુક્યો હોવો જોઇએ. બોર્ડ એ ઘરેલુ ક્રિકેટમાં સંન્યાસ લઇ ચુકેલા અનકેપ્ડ ખેલાડીઓ માટે શર્ત રાખી છે. જેમાં ખેલાડી ઓક્શનમાં ભાગ લેવા ઇચ્છે છે તો, નિવૃત્તી સંબંધીત દસ્તાવેજ રાજ્ય સંઘથી મેળવીને રજૂ કરવાના રહેશે.