નડિયાદ : ખેડા જિલ્લામાં વર્ષ ૨૦૦૮ અને ૨૦૦૯માં થયેલી વિદ્યાસહાયક ભરતીમાં સરકારના તમામ નિયમો નેવે મૂકીને લાખ્ખો રૂપિયાનો ભ્રષ્ટાચાર આચરીને લાયકાત વિહોણા શિક્ષકોની ભરતી કરવાનું મસમોટું કૌભાંડ તત્કાલિન જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીના ઈશારે આચરવામાં આવ્યું હતું. છેલ્લાં કેટલાંય વર્ષોથી અરજદારો દ્વારા બોગસ ભરતી મામલે અનેક ફરિયાદો કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા પણ બોગસ પ્રમાણપત્રો મામલે કડક સૂચના આપીને કાર્યવાહી કરવા જણાવ્યું હોવા છતાં એવો આક્ષેપ થઈ રહ્યો છે કે, છેલ્લાં કેટલાંક વર્ષોથી અહીં પોસ્ટિંગ મેળવતાં વિવિધ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીઓ દ્વારા સમગ્ર મામલાને દબાવી દેવાના આશય સાથે યોગ્ય તપાસ અને ખરાઈની કામગીરીને અટકાવી રાખી છે. એવાં પણ આક્ષેપ છે કે, તત્કાલીન જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી બી.કે. પટેલ દ્વારા પણ આ મામલાને ગંભીરતાથી લેવામાં આવ્યો નહોતો, જ્યારે હાલના જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કમલેશભાઈ પટેલ પણ માત્ર ભરતી કરનાર અને હાલ નિવૃત થઈ ગયેલાં અધિકારી સામે પોલીસ ફરિયાદ કરીને બોગસ પ્રમાણપત્રો લાવનાર અને બનાવનાર જવાબદારો સામે પોલીસ ફરિયાદ કરવામાં કેમ પાછા પડી રહ્યાં છે, તેવાં સવાલો ઊઠી રહ્યાં છે. આ મામલામાં પ્રમાણપત્રો આપનાર સંસ્થા દ્વારા પણ તેઓની સંસ્થાના પ્રમાણપત્રો નહિ હોવાનું ચોખ્ખા શબ્દોમાં કહ્યાં પછી પણ જવાબદાર અધિકારીઓ બોગસ ભરતી થયેલાં શિક્ષકોને મેડિકલ ચેકઅપના બહાને છટકવાનો અવસર આપી રહ્યાં હોવાનું જાેવા મળી રહ્યું છે. વડોદરાની એસએસજી હૉસ્પિટલ દ્વારા છેલ્લાં ઘણાં સમયથી મેડિકલ ચેકઅપ કરીને યોગ્ય પ્રત્યુતર આપવાની તસ્દી પણ લીધી ન હોવાનું કહેવામાં આવી રહ્યું છે. પરિણામે સમગ્ર મામલો અટવાયેલો પડી રહ્યો છે. આ બાબતે હોસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટ સહિત તત્કાલીન અને હાલના પ્રાથમિક શિક્ષણાધિકારીઓનો સંપર્ક કરતાં તેઓ શંકાસ્પદ રીતે કોઈપણ જવાબ આપવાનું ટાળી રહ્યાં છે. ત્યારે શિક્ષણ મંત્રી દ્વારા પ્રાથમિક શિક્ષણ વિભાગમાં ચાલતાં ભ્રષ્ટાચારને અટકાવવા કોઈ પગલાં ભરવામાં નહીં આવે તો ખેડા જિલ્લાની પ્રજા હવે સરકાર અને ઓથોરિટીની ભૂમિકાને શંકાની નજરે જાેશે એમાં બે મત નથી. 

બોગસ પ્રમાણપત્રોની તપાસ ટલ્લે ચઢાવવામાં ભૂમિકા કોની?

ખેડા જિલ્લા પ્રા.શિક્ષણ વિભાગમાં બોગસ પ્રમાણપત્રોને આધારે ભરતી થયેલાં વિદ્યાસહાયક શિક્ષકોને બચાવવામાં ભૂમિકા કોણ ભજવી રહ્યું છે તેવાં સવાલો ઊઠી રહ્યાં છે. કારણ કે, પૂર્વ પ્રા.શિક્ષણાધિકારી બી.કે. પટેલ ના સમયમાં બોગસ પ્રમાણપત્રોની ખરાઈ થઈ ગઈ હોવા છતાં સમગ્ર મામલો દબાવી રાખવામાં આવ્યો હતો. જ્યારે હાલના પ્રા.શિક્ષણાધિકારી કમલેશભાઈ પટેલ દ્વારા માત્ર ભરતી કરનાર નિવૃત અધિકારી સામે ગુનો નોંધીને બોગસ પ્રમાણપત્રોના મામલાને દબાવી દીધો હોવાના આક્ષેપ થઈ રહ્યાં છે. આ મામલામાં વિકલાંગના પ્રમાણપત્રો નકલી હોવા છતાં તેઓને મેડિકલ બોર્ડમાં મોકલીને ચેકઅપ કરવા મોકલેલ હોવા છતાં વડોદરાની એસએસજી હૉસ્પિટલ દ્વારા રિપોર્ટ મોકલાવ્યો છે કે નહીં? તે જવાબ આપવામાં આવતો નથી. ખેડા, વડોદરા અને ગાંધીનગરના જવાબદાર અધિકારીઓ ભેગાં મળીને રાજ્યવ્યાપી કૌભાંડને દબાવી દેવાના પ્રયાસ કરી રહ્યાં હોવાનો ગણગણાટ શિક્ષણ આલમમાં થઈ રહ્યો છે.

કે.એ. પોટાએ એક્‌શન લીધાં એ પછી પરપોટા જ ફૂટ્યાં!

જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી તરીકે ફરજ બજાવતાં અને નિયમાનુસારની કાર્યવાહી કરવા જાણીતાં કે.એ. પોટાએ તેમનાં સમયે વિકલાંગના બોગસ પ્રમાણપત્રો ધરાવતાં શિક્ષકોને તાત્કાલિક અસરથી છૂટાં કરી દીધાં હતાં, જ્યારે ભરતીની જગ્યા કરતાં વધુ ભરતી કરાયેલાં શિક્ષકોને પણ છૂટાં કરવાની તજવીજ હાથ ધરી હતી. જાેકે, વયમર્યાદાના કારણે તેઓ નિવૃત્ત થઈ ગયાં પછી આ કૌભાંડ પર વારંવાર પડદો પાડી દેવાના પ્રયાસો કેમ કરવામાં આવી રહ્યાં છે?