ગાંધીનગર,

ગુજરાતમાં નૈઋત્ય ચોમાસાના ભારે સાર્વત્રિક વરસાદના રાઉન્ડની પ્રતિક્ષા વચ્ચે રાજયના અનેક ભાગોમાં મેઘાના મંડાણ થયા છે અને સાત ઈંચ સુધીનો વરસાદ નોંધાયો હતો. હવામાન વિભાગ દ્વારા આવતા 24થી48 કલાકમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજયના સૌરાષ્ટ્ર, દક્ષિણ તથા મધ્ય ગુજરાતમાં વરસાદનું આગમન થયુ છે.

રાજય ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના રીપોર્ટ પ્રમાણે આજે સવારે પુરા થયેલા ચોવીસ કલાક દરમ્યાન 89 તાલુકાઓમાં વરસાદ થયો હતો અને ત્યારપછી પણ અનેક નવા વિસ્તારોમાં મેઘમંડાણના અહેવાલ છે. સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર, મોરબી, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, ગીર સોમનાથ તથા અમરેલી જીલ્લામાં વ્યાપક હળવો-મધ્યમથી ભારે વરસાદ છે. દક્ષિણ ગુજરાતમાં પણ મેઘસવારી શરુ થઈ હોય તેમ ભરૂચના વલીયામાં બે ઈંચ તથા નેપ્રંગમાં દોઢ ઈંચ વરસાદ હતો. નર્મદાના ડેડીયાપાડામાં બે ઈંચ પાણી વરસ્યુ હતું. તાપીના વ્રામાં અઢી ઈંચ તથા જીલ્લાના અન્ય તમામ તાલુકામાં હળવો વરસાદ હતો. સુરત જીલ્લાના ઉમરપાડામાં બે ઈંચ વરસાદ હતો. ડાંગ જીલ્લાના આહવામાં બે ઈંચ તથા સુધીર-વધઈમાં એક-એક ઈંચ વરસાદ નોંધાયો હતો. 

મધ્ય ગુજરાતમાં પણ મેઘમહેર શરૂ થઈ હોય તેમ અમદાવાદમાં ભારે ઝાપટા સિવાય બાવળામાં બે ઈંચ તથા વિરમગામમાં એક ઈંચ વરસાદ હતો. વડોદરાના ડભોઈમાં બે ઈંચ વરસાદ હતો. દાહોદ, મહીસાગર, છોટા ઉદેપુર, ખેડામાં પણ સાર્વત્રિક હળવો વરસાદ વરસ્યો હતો. રાજયમાં અત્યાર સુધીમાં કુલ 139 મીમી વરસાદ પડી ગયો છે જે સીઝનની કુલ સરેરાશના 16.74 ટકા થવા જાય છે. 

દરમ્યાન હવામાનખાતા દ્વારા 24-48 કલાકમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સીનીયર વિજ્ઞાની આર.કે.જેનામણીએ કહ્યું કે મોટાભાગે આ જ વરસાદની રેલમછેલ થશે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતના માછીમારોને દરિયો નહીં ખેડવાની સૂચના આપવામાં આવી છે. આવતા પાંચ દિવસ દરમ્યાન રાજયભરમાં હળવો ભારે થઈ શકે છે. આ દરમ્યાન ઉતરીય અરબી સમુદ્રમાંથી 50થી60 કિલોમીટરની ઝડપના તેજ પવન ફુંકાય તેમ હોવાથી માછીમારોને ચેતવણી આપવામાં આવી છે. ભાવનગર, સુરત, વલસાડ જેવા દરિયાકાંઠાના જીલ્લાઓમાં પણ તેજ પવન ફુંકાઈ શકે છે.