આણંદ, તા.૨૨ 

આણંદ જિલ્લાના વડોદ ગામમાં મંગળવારની સવારે એક કોરોના પોઝિટિવ મહિલા દર્દીનાં મૃતદેહની અંતિમવિધિ કારાઈ હતી. તંત્ર દ્વારા કોઈ પણ જાતની તકેદારી કે સુરક્ષા વિના ગામના કબ્રસ્તાનમાં મૃતકની દફનવિધિ કરવામાં આવી હતી. મૃતક કોરોના દર્દીની દફનવિધિમાં તંત્ર દ્વારા દાખવવામાં આવેલી લાપરવાહી અને બેદરકારી ખુલ્લી પડી ગઈ છે. મૃતદેહનાં શરીર પરની પીપીઇ કિટ અને મૃતદેહ પર ઢાંકવામાં આવેલાં કવરનો યોગ્ય નિકાલ કરવાના બદલે આ કવરને જાહેરમાં ફેંકી દેવામાં આવ્યું હોવાની ચોંકાવનારી તસવીરો સોશિયલ મીડિયા પર વાઇરલ થતાં આરોગ્ય વિભાગની કામગીરી પર અનેક સવાલો ઊભાં થવા પામ્યાં છે.

આણંદ તાલુકાના વડોદ ગામે આવેલાં તકિયા દિવાન સ્ટ્રીટમાં રહેતા મુમતાઝબીબી સલીમસા દિવાન (ઉ. વ. ૪૮)નું કોરોના પોઝિટિવમાં મોત નીપજ્યાં બાદ ગઈકાલ સવારે તેમનાં મૃતદેહની અંતિમવિધિ તંત્ર દ્વારા હાથ ધરવાના બદલે મૃતદેહને પરિવારજનોને સુપરત કરી દીધો હોવાના અહેવાલ સાંપડ્યા છે. જાણવા મળ્યાં મુજબ, કોરોના પોઝિટિવ દર્દીના મૃતદેહની દફનવિધિમાં ઘોર બેદરકારી દાખવવામાં આવી હોવાની ચોંકાવનારી વિગત પ્રકાશમાં આવી છે. તંત્ર દ્વારા દફનવિધિ પહેલાં સમગ્ર વિસ્તારને સેનિટાઇઝ કરવાનો હોય છે. તેમજ જે વાહનમાં મૃતદેહને લાવવામાં આવ્યો હોય તે વાહન અને જ્યાં દફનવિધિ કરવાની હોય તે કબ્રસ્તાન અને દફનવિધિ કરતાં લોકોને પીપીઇ કિટ પહેરીને દફનવિધિ કરવાની હોય છે, પરંતુ અહિંયા તો સરકારની ગાઇડલાઇનનો સરેઆમ ભંગ કરવામાં આવ્યો હોવાના અહેવાલ સાંપડ્યા છે.

જાણવા મળ્યાં મુજબ, મૃતદેહની દફનવિધિ બાદ તંત્ર દ્વારા સેનેટાઈઝની કામગીરી કરવામાં આવી હતી. એક તરફ વહિવટી તંત્ર દ્વારા કોરોના સામે તકેદારીના પગલાં ભરવામાં આવી રહ્યાં છે. લોકોને જાગૃત કરવાના અથાર્ગ પ્રયત્નો કરવામાં આવી રહ્યાં છે અને બીજી તરફ આરોગ્ય વિભાગના કેટલાંક બેજવાબદાર અધિકારીઓ દ્વારા કોરોના પોઝિટિવ દર્દીની અંતિમક્રિયા સમયે સરકારની જ ગાઇડલાઇન્સનો સરેઆમ ભંગ કરવામાં આવ્યો હોવાનો ગણગણાટ સ્થાનિક લોકોમાં થઈ રહ્યો છે. વડોદ ગામે પણ ગતરોજ આરોગ્ય વિભાગ દ્વારા ઘોરબેદરકારી દાખવવામાં આવી હોવાની ચોંકાવનારી વિગત ઉજાગર થવા પામી છે. આશ્ચર્યની વાત તો એ છે કે મૃતદેહના શરીર પરની પીપીઇ કિટ અને મૃતદેહ પર ઢાંકવામાં આવેલાં કવરનો યોગ્ય નિકાલ કરવાના બદલે આ કવરને રોડની સાઇડમાં ખુલ્લાં ખેતરમાં ફેંકી દેવામાં આવ્યું હતું. આ જાેખમી મેડિકલ વેસ્ટ એક મહિલાનાં હાથે લાગ્યું હતું. જેની તસવીરો સોશિયલ મીડિયામાં વાઇરલ થતાં સ્થાનિક વિસ્તારમાં ફફડાટ ફેલાયો છે. લોકોમાં એવી ચર્ચા છે કે, ક્યાંક કોરોનાનું સંક્રમણ પેલી મહિલાને પણ થઈ ગયું હશે તો શું થશે?  

તંત્ર દ્વારા આ પ્રકારની ઘોરબેદરકારી દાખવવામાં આવતાં જાગૃતોમાં ભારે રોષ ફેલાયો છે, એટલું જ નહિ કોરોનાથી સંક્રમિત જીવતાં બોમ્બ સમાન પેલી મહિલા કોણ છે અનેે ક્યાં ક્યાં ફરી હશે? એવું વિચારતા જ શરીરમાંથી લખલખું પસાર થઈ જાય તેવી સ્થિતિ ઊભી થઈ છે. બેજવાબદાર આરોગ્ય વિભાગના કર્મચારીઓ સામે પણ કાયદેસરના પગલાં ભરવાની માગ પ્રબળ બની છે.આ વિશે જવાબદાર તંત્રને પૂછવામાં આવતાં મોટાભાગના અધિકારીઓએ પોતાના હાથ અદ્ધર કરી લીધાં હતાં.અમૂલ ડેરી, આણંદના વિવિધ વિભાગો જેવા કે, ડેરી પ્લાન્ટ-આણંદ, ફૂડ કોમ્પ્લેક્ષ-મોગર, ખેડા સેટેલાઇટ ડેરી - ખાત્રજ, કેટલફીડ ફેક્ટરી-કંજરી, અમૂલ ફીડ પ્લાન્ટ-કાપડીવાવ તેમજ વિવિધ શીત કેન્દ્રો, ઓડ/સારસા પ્રોજેક્ટ વિગેરે ખાતે લેબર, સિક્યોરિટી, ગાર્ડનીંગ, કેન્ટીન તથા હાઉસ કીપીંગ કોન્ટ્રાક્ટ આપવાનો છે.