નડિયાદ : ડાકોર નગરપાલિકામાં પ્રમુખપદની તા.૨ સપ્ટેમ્બરે ચૂંટણીના પગલે રાજકીય ગતિવિધિ તેજ બની છે. પાલિકામાં ભાજપ પાસે ૧૧ સભ્યોનું સંખ્યાબળ છે, છતાં કેટલાંક સભ્યો મેન્ડેટની વિરુદ્ધમાં મતદાન કરી બળવાખોરી કરવાનાં મૂડમાં છે. તેનાં કારણે પાર્ટીને જ નુકસાન થાય તેવી શક્યતા પ્રબળ બની છે. 

અઢી વર્ષ અગાઉ યોજાયેલી પ્રમુખપદની ચૂંટણીમાં ભાજપના ૧૧ પૈકી સાત સભ્યોએ ક્રોસવોટિંગ કર્યું હતું, જેનાં કારણે પાર્ટીના જ સભ્યો બે ભાગમાં વહેંચાઈ ગયાં હતાં. આ ચૂંટણીમાં અગાઉની સ્થિતિનું પુનરાવર્તન થતું અટકાવવામાં નહિ આવે તો ભાજપને જ નુકસાન થશે, તેવી ચર્ચાએ જાેેર પકડ્યું છે. અગાઉ ક્રોસવોટિંગ કરનારા સભ્યોની સામે પક્ષાંતરધારાનો કેસ ચાલું છે. ભાજપ પોતે શિસ્તબદ્ધ પાર્ટી હોવાનો દાવો કરે છે, ત્યારે આ વખતે હવે ક્રોસવોટિંગને અટકાવી પાર્ટીના મેન્ડેટ ધરાવતાં ઉમેદવારની તરફેણમાં મતદાન કરાવવા માટે કેવાં પગલાં ભરે છે, તેનાં પર સૌની નજર છે.

ડાકોર પાલિકામાં ચૂંટણીના પગલે ખજૂરીયા અને હજૂરીયાવાળી શરૂ

આગામી તા.૨ સપ્ટેમ્બરના રોજ યોજાનારી પ્રમુખપદની ચૂંટણીના પગલે ડાકોર પાલિકામાં રાજકીય ગરમાવો આવી ગયો છે. ૧૭ અપક્ષ સભ્યોમાંથી કેટલાકે ખજૂરીયા અને હજૂરીયાવાળી શરૂ કરી છે. આગામી અઢી વર્ષ પછી ડાકોર નગરપાલિકાની સામાન્ય ચૂંટણી યોજાનાર છે, ત્યારે ડાકોર જેવા યાત્રાધામના વિકાસને ધ્યાનમાં રાખીને પાર્ટીના જ ઉમેદવારને પ્રમુખપદે બેસાડવા ભાજપ માટે પણ કસોટીરૂપ સાબિત થશે એમ કહેવાય છે.